જંબુસર : જંબુસર કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલ હેમંતભાઈ ચૌહાણ સામે 22 વર્ષીય પરિણીત મહિલાએ ગંભીર આક્ષેપો સાથે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચામાં આવ્યો છે. ફરિયાદમાં મહિલાએ આક્ષેપ કર્યો છે કે સરકારી વકીલ દ્વારા તેને લગ્નનું પ્રલોભન આપી અંગત સંબંધ માટે દબાણ કરવામાં આવ્યું હતું તેમજ વારંવાર ફોન કરીને માનસિક ત્રાસ આપ્યો હતો અને તેના પતિને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, જંબુસરની એક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય મહિલાએ પરિવારની સંમતિ વિના વર્ષ 2023માં તેના પતિ સાથે લવ મેરેજ કર્યા હતા. મહિલાના પિતાએ વર્ષ 2023માં તેના પતિનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાવી હતી અને આ મામલે જંબુસર કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. 28 જુલાઈ 2025ની રાત્રે આશરે 12 વાગ્યે મહિલાના મોબાઇલ પર હેમંતભાઈ ચૌહાણનો મેસેજ આવ્યો હતો, જેમાં “હાય હેલો, આપ ક્યાં છો?” લખવામાં આવ્યું હતું. આ અંગે મહિલાએ પોતાના પતિને જાણ કરતાં પતિએ હેમંત ચૌહાણને ફોન કર્યો હતો. જોકે, ફોન ઉપાડ્યા બાદ કોઈ વાત કર્યા વિના ફોન કટ કરી દેવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ત્યારબાદ તા. 19 ઓગસ્ટ 2025ના રોજ બપોરે આશરે સાડા અઢી વાગ્યે હેમંતભાઈ ચૌહાણે મહિલાને ફોન કરી તેના અને તેના પતિ વચ્ચેના ઝઘડા અંગે પૂછપરછ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. થોડા સમય બાદ ફરી ફોન કરીને આરોપીએ પોતાની પત્ની સાથે છેલ્લા સાત વર્ષથી ઝઘડો ચાલતો હોવાનું તથા બંને છૂટાછેડા લઈ એકબીજા સાથે લગ્ન કરવાની વાત કરી હોવાનું ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહિલાના આક્ષેપ મુજબ, તેણે આવી વાત ન કરવા તથા તેના પતિને જાણ કરી દેવાની ચેતવણી આપતાં આરોપીએ પોતાના પગાર અને મિલકતોનો ઉલ્લેખ કરી પોતે મહિલાને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મહિલાએ આરોપીનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હોવા છતાં ચારથી પાંચ વખત ફોન આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મહિલાના પતિએ આરોપીની ઓફિસે જઈ ફોન કરીને હેરાન ન કરવા જણાવ્યું ત્યારે આરોપીએ કથિત રીતે ધમકી આપી હતી.
આ સમગ્ર મામલે પરિણીત મહિલાની ફરિયાદના આધારે જંબુસર પોલીસે સરકારી વકીલ હેમંતભાઈ ચૌહાણ સામે BNS કલમ 75(1)(ii), 78(1)(ii) અને 351(1) હેઠળ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલાની તપાસ PSI જિગ્નેશકુમાર પરમાર ચલાવી રહ્યા છે.
બીજી તરફ, સરકારી વકીલ હેમંતભાઈ ચૌહાણે પોતાની પ્રતિક્રિયામાં આ ફરિયાદને પોતાના વિરુદ્ધ કરવામાં આવેલી ખોટી ફરિયાદ ગણાવી હોવાનું ફરિયાદના દસ્તાવેજોમાં જણાવાયું છે. હાલ પોલીસ દ્વારા ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગે પુરાવા, કોલ ડિટેઈલ, મેસેજ સહિતની વિગતોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

