આમોદ તાલુકાના દોરા ગામમાં ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતાં ભયનો માહોલ

નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારે ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યૂ કર્યું

આમોદ તાલુકાના દોરા ગામમાં રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક ૧૨ ફૂટ લાંબો મહાકાય મગર આવી ચડતાં સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.દોરા ગામમાં સેન્ટ્રલ બેંક નજીક મહાકાય મગર દેખાતા આસપાસના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો અને મગરને જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થયા હતા.


મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની જાણ થતાં નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને ગામમાંથી ફોન કરવામાં આવ્યો હતો. અંકિત પરમારે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટીયાનો સંપર્ક કર્યો હતો.
વન વિભાગના અધિકારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અંકિત પરમારે ઘટના સ્થળે પહોંચી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. મહાકાય અને અંદાજે ૧૨ ફૂટ લાંબા મગરને રહેણાંક વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ત્યારબાદ વન વિભાગની સૂચના મુજબ મગરને તેના નૈસર્ગિક વાતાવરણમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
મહાકાય મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડતાં ગામલોકોમાં ચિંતા જોવા મળી હતી. જોકે સમયસર રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાતા કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વન વિભાગની ટીમની સતર્કતાથી મગરનું સુરક્ષિત રેસ્ક્યૂ થતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. રીપોર્ટર:યાસીન દિવાન આમોદ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online