ભરૂચ અને અંકલેશ્વરને વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા ભાજપ પ્રમુખની રેલવે વિભાગને રજૂઆત

ભરૂચ: દક્ષિણ ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક શહેરો ભરૂચ અને અંકલેશ્વરને પશ્ચિમ રેલવેના મહત્વના રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસમાં સ્ટોપેજ તરીકે સમાવવા માટે માંગ કરવામાં આવી છે.

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ડિવિઝનલ રેલવે મેનેજર, વડોદરા અને જનરલ મેનેજર, વેસ્ટર્ન રેલવે, મુંબઈને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

પત્રમાં જણાવ્યા અનુસાર, ભરૂચ અને અંકલેશ્વર રાજ્યના સૌથી ઝડપથી વિકસતા શહેરો અને ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. બંને શહેરો મોટા ઔદ્યોગિક વસાહતો, કેમિકલ અને ફાર્મા હબ તરીકે ઓળખાય છે, તેમજ ઝડપથી વધતી વસ્તી ધરાવે છે. આમ છતાં, આ મહત્વપૂર્ણ કોરિડોરને વંદે ભારત એક્સપ્રેસના શિડ્યુઅલમાં સમાવવામાં આવ્યો નથી, જેના કારણે આ વિસ્તારના હજારો દૈનિક મુસાફરો, વ્યવસાયિકો અને ઔદ્યોગિક સલાહને આધુનિક રેલ સેવાઓનો લાભ મળતો નથી.

રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે સ્ટોપેજના અભાવને કારણે લોજિસ્ટિકલ અને કનેક્ટિવિટી સંબંધિત પડકારો ઉભા થઈ રહ્યા છે, ખાસ કરીને જ્યારે ઝડપી અને વધુ વિશ્વસનીય પરિવહન સેવાઓની જરૂરિયાત વધી રહી છે. આ સ્ટોપેજનો સમાવેશ કરવાથી (1) સ્થાનિક જનતા અને વ્યવસાયો માટે કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, (2) ઔદ્યોગિક ક્ષેત્રોની મુલાકાતે આવતા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે સરળ મુસાફરી, (3) પ્રીમિયમ ટ્રેન સેવાઓનો ઉત્તમ ઉપયોગ થશે અને (4) વધુ માંગ ધરાવતા સ્ટેશન પરથી ભારતીય રેલવેની આવકમાં વધારો થશે.

પ્રકાશ મોદીએ આ બાબતની તાકીદે સમીક્ષા કરીને આ કોરિડોર પરથી પસાર થતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો માટે ભરૂચ અને અંકલેશ્વરને સ્ટોપેજ તરીકે સમાવવાની પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરી છે અને આ પ્રસ્તાવ પર યોગ્ય ધ્યાન આપી ઝડપી કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online