હોમગાર્ડ જવાનો અને સ્થાનિક મુસ્લિમ ભાઈઓએ સમયસર મદદે દોડી આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
જંબુસર: કંબોઈ સ્થિત પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાના વાહનો સાથે મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે વડોદરાથી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા આવેલા એક પરિવાર સાથે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, પરિવાર કારમાં કંબોઈ તરફ આવી રહ્યો હતો ત્યારે રસ્તા પર બાઈકને બચાવવા જતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કાર રસ્તાની બાજુના ગટરમાં ખાબકી હતી. કારમાં સવાર લોકો અંદર ફસાઈ જતા તેમણે મદદ માટે બૂમો પાડી હતી.
આ બૂમો સાંભળીને નજીકમાં ફરજ બજાવતા હોમગાર્ડના જવાનો તેમજ સ્થાનિક મુસ્લિમ ભાઈઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સૌએ સાથે મળીને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ દોરડાની મદદથી કારને ક્રેન સાથે બાંધી ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જોકે કારને નુકસાન પહોંચ્યું હતું. અકસ્માત બાદ કારમાં સવાર પરિવારજનોએ સમયસર મદદે પહોંચેલા હોમગાર્ડ જવાનો અને સ્થાનિક મુસ્લિમ ભાઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં ધર્મથી ઉપર માનવતાના દર્શન થયા હતા. સંકટની ઘડીએ કોઈપણ જાતના ભેદભાવ વિના એકબીજાની મદદે દોડી આવનાર હોમગાર્ડ જવાનો અને સ્થાનિક મુસ્લિમ ભાઈઓની કામગીરીની લોકોમાં પ્રશંસા થઈ રહી છે.

