જંબુસરમાં ગેરકાયદેસર દારૂના નેટવર્ક સામે કડક કાર્યવાહી કરવા કોંગ્રેસની DYSPને રજૂઆત

જંબુસર: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વારંવાર સામે આવતી ઝેરી તથા નકલી દારૂની ઘટનાઓને પગલે જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ અને જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જંબુસર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP)ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, રાજ્યમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં ગેરકાયદેસર દારૂના નેટવર્કના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. તાજેતરમાં ભાવનગર જિલ્લાના ખારકડી વિસ્તારમાં બનેલી ઝેરી દારૂની ઘટનાનો ઉલ્લેખ કરી કોંગ્રેસે આવા બનાવોને રોકવા પોલીસ તંત્ર દ્વારા અસરકારક અને નિષ્પક્ષ અમલવારી જરૂરી હોવાનું જણાવ્યું છે.

કોંગ્રેસ દ્વારા જંબુસર તાલુકાના તમામ ગામોમાં ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે વિશેષ પોલીસ ડ્રાઇવ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ બુટલેગરો ઉપરાંત દારૂના મુખ્ય સપ્લાયર, સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા લોકો તથા હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતા વાહનો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ અને ગુપ્ત તપાસ વધારવા, વારંવાર ગુનો કરતા બુટલેગરો સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી કરવા તથા ઝેરી દારૂ અને મિથેનોલ જેવી ઝેરી સામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ પર ખાસ નજર રાખવા માંગ કરવામાં આવી છે. ગેરકાયદેસર દારૂ અંગે ફરિયાદ કરનાર લોકોને સુરક્ષા મળે અને કોઈ વિસ્તારમાં ફરિયાદ મળે તો તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે.

કોંગ્રેસે જણાવ્યું હતું કે, દારૂના કારણે કોઈ પરિવારનો સભ્ય જીવ ગુમાવે તે અત્યંત ગંભીર બાબત છે. તેથી જંબુસર તાલુકાને ગેરકાયદેસર અને ઝેરી દારૂના નેટવર્કથી મુક્ત કરવા તાત્કાલિક વિશેષ પોલીસ ડ્રાઇવ હાથ ધરી અસરકારક કાર્યવાહી કરવામાં આવે.

આ આવેદનપત્ર જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શરદસિંહ રણા તથા જંબુસર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઇરફાન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આવેદનપત્રની તારીખ 24 ઓગસ્ટ, 2026 અને સ્થળ જંબુસર દર્શાવવામાં આવ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online