આમોદ/જંબુસર:
આમોદ અને જંબુસર વિસ્તારના મુસાફરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામીના પ્રયાસોથી આમોદથી બોટાદ અને જંબુસરથી દ્વારકા રૂટ પર નવી બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
આમોદ એસ.ટી. ડેપો તથા જંબુસર એસ.ટી. ડેપો ખાતેથી કુલ ચાર નવી બસોને ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ એસ.ટી. વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્થાનિક મુસાફરો દ્વારા લાંબા સમયથી દ્વારકા અને સારંગપુર હનુમાનજી મંદિર જેવા ધાર્મિક સ્થળોએ સીધી બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. વિસ્તારના ભક્તો માટે આ સેવા ખૂબ ઉપયોગી સાબિત થશે.

ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે આ માંગ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરતા સરકાર દ્વારા તાત્કાલિક સ્વીકાર કરી ચાર નવી બસો ફાળવવામાં આવી છે. આથી વિસ્તારના મુસાફરોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે.
નવી બસ સેવા શરૂ થતાં હવે યાત્રાળુઓ અને સામાન્ય મુસાફરોને સરળ, સલામત અને સીધી મુસાફરીની સુવિધા મળશે, જે વિસ્તારમાં પરિવહન સુવિધા મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

