અંકલેશ્વર સ્થિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજના જિનવાલા સભાખંડમાં પ્રખ્યાત લેખિકા જયશ્રી ચૌધરી કૃત “છિલુગરી” સંગોષ્ઠિ શ્રેણી (ભારતીય અને ગુજરાતી સાહિત્યના સંદર્ભે) – કડી 1 અંતર્ગત એક ગૌરવપૂર્ણ સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને કૉલેજના એડમિનિસ્ટ્રેટર ચિરાગભાઈ શાહ તથા કૉ-એડમિનિસ્ટ્રેટર શ્રી બળવંતસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પ્રખ્યાત ગુજરાતી લેખક અને વિવેચક ડૉ. ભરત મહેતા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે જાણીતા ગુજરાતી વિવેચિકા ડૉ. નિવ્યા પટેલ હાજર રહ્યા હતા. આ સાથે ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ પ્રો. પ્રવીણકુમાર પટેલ અને આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
કાર્યક્રમની શરૂઆત આચાર્યશ્રી ડૉ. જી. કે. નંદાએ શાબ્દિક સ્વાગત અને પ્રસ્તાવનાથી કરી હતી. આ અવસરે જયશ્રી ચૌધરીના વાર્તાસંગ્રહ “Seven Trees” તથા તેમની વાર્તાઓના ઓડિયા અનુવાદરૂપે પ્રકાશિત “એક વાત” નામના વાર્તાસંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષીય પ્રવચનમાં ચિરાગભાઈ શાહે લેખિકા જયશ્રી ચૌધરીની સાહિત્યિક યાત્રા, સર્જનાત્મક શક્તિ અને ઉપલબ્ધિઓની પ્રશંસા કરી હતી. ત્યારબાદ લેખિકા જયશ્રી ચૌધરીએ પોતાની સર્જક કેફિયત રજૂ કરતાં જણાવ્યું કે તેમના સર્જનમાં અંકલેશ્વર કૉલેજ, ગુરૂજન, પરિવાર, વિદ્યાર્થીઓ, મીડિયા અને માર્ગદર્શકોનો વિશેષ ફાળો રહ્યો છે.મુખ્ય વક્તવ્યમાં ડૉ. ભરત મહેતાએ “છિલુગરી” નવલકથાને ટેક્નિક અને કથાવસ્તુની દૃષ્ટિએ દળદાર અને મહત્વપૂર્ણ રચના ગણાવી હતી. તેમણે નવલકથાની ભાષા, સંવેદના અને સાહિત્યિક ઊંચાઈ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. જગદીશ કંથારીઆએ કર્યું હતું અને આભારવિધિ પ્રો. હસમુખભાઈ પાટણવાડીયાએ વ્યક્ત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કૉલેજ પરિવારે વિશેષ પ્રયત્નો કર્યા હતા.આ સાહિત્યિક કાર્યક્રમમાં કવિ દેવાનંદ જાદવ, વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાહિત્યરસિકોએ હાજરી આપી હતી.
