mansukh vasava mp - jn express

ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવા દ્વારા ભાજપ છોડવાની ચીમકી આપતા ગુજરાતની રાજનીતિમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. 75 લાખ રૂપિયાની તોડ માંગણીના આક્ષેપોને લઈને ન્યાય નહીં મળે તો પાર્ટી છોડવાની ખુલ્લી ધમકી સાંસદે આપી છે, જેના કારણે આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

મનસુખ વસાવાનો આરોપ છે કે AAPના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા સરકારી અધિકારીઓ પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા મુજબ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પાસેથી પહેલા માહિતી માંગવામાં આવે છે અને બાદમાં ‘તોડપાણી’ માટે દબાણ કરવામાં આવે છે. સાંસદે દાવો કર્યો છે કે ચૈતર વસાવાએ 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે બાબત જિલ્લા કલેક્ટરે ભાજપ જિલ્લા પ્રમુખની હાજરીમાં સ્વીકારી હોવાનું તેઓ કહે છે.

પરંતુ બાદમાં કલેક્ટરે આ પ્રકારની કોઈ માંગણી થઈ હોવાનો ઇનકાર કરતા સાંસદ મનસુખ વસાવા નારાજ થયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે હવે કલેક્ટર ચૈતર વસાવાને બચાવી રહ્યા છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો સરકાર અને વહીવટી તંત્ર તરફથી ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડવાનો નિર્ણય લઈ શકે છે. આ મામલે તેઓ આવતીકાલે જિલ્લા કલેક્ટરને રૂબરૂ મળીને સ્પષ્ટતા માંગવાના હોવાનું પણ જણાવ્યું છે.

બીજી તરફ, આક્ષેપોના ઘેરાયેલા ચૈતર વસાવાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે કલેક્ટરે પણ આક્ષેપો ખોટા હોવાનું જાહેરમાં જણાવ્યું છે અને તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખોટા આક્ષેપો કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ તેમણે આપી છે.

આ ઉપરાંત, વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોને કામ આપવામાં આવ્યું હોવાના આક્ષેપો અંગે પણ મનસુખ વસાવાએ પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું છે કે જો આવા કોઈ પુરાવા હોય તો ચૈતર વસાવાએ જાહેરમાં રજૂ કરવા જોઈએ.

આ સમગ્ર મામલો હવે માત્ર રાજકીય આરોપ-પ્રત્યારોપ સુધી સીમિત રહ્યો નથી, પરંતુ તેમાં વહીવટી તંત્રની ભૂમિકા અને સરકારની જવાબદારીને લઈને પણ ગંભીર સવાલો ઊભા થયા છે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online