જે .એન એક્સપ્રેસમાં સમાચાર પ્રસિદ્ધ થતાં તંત્રની કાર્યવાહી; દુકાનદારોને દબાણો હટાવવા માઈક દ્વારા સૂચના, ડાભા ચોકડી પાસે જંગલી બાવળ દૂર કરાતાં વાહનચાલકોને રાહત
જંબુસર | ભરૂચ
જંબુસર શહેરના મુખ્ય બજારમાં દુકાનોની બહાર મૂકવામાં આવતો માલસામાન, લારી-ગલ્લા અને વાહનોના પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. મુખ્ય બજારમાંથી દબાણો દૂર કરવા તેમજ દુકાનોની બહાર વાહનો પાર્ક ન કરવા અંગે રિક્ષા દ્વારા માઈક પર જાહેરાત કરીને વેપારીઓ અને દબાણકર્તાઓને સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ડાભા ચોકડી સર્કલની આસપાસ ઊગી નીકળેલા જંગલી બાવળ દૂર કરવામાં આવતાં વાહનચાલકોને પણ રાહત મળી છે.
જંબુસર શહેરના કોટ દરવાજાથી સોની ચકલા સુધીના મુખ્ય બજાર વિસ્તારમાં રસ્તા પર લારી-ગલ્લા, દુકાનોની બહાર રાખવામાં આવતો માલસામાન અને આડેધડ વાહન પાર્કિંગને કારણે વાહનચાલકો તથા રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદો ઊઠી રહી હતી. ખાસ કરીને તહેવારોની સિઝનમાં બજારમાં ખરીદી માટે લોકોની ભીડ વધતાં ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બનતી હતી. માર્ગ વન-વે હોવા છતાં વાહનોની અવરજવર અને માલસામાન ઉતારવા આવતા મોટા વાહનોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી હતી.
આ સમસ્યાને લઈને અગાઉ જિલ્લા પોલીસ અધિક્ષકના લોકદરબારમાં પણ સ્થાનિક આગેવાનો અને વેપારીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. તેમ છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતાં તંત્રની કામગીરી સામે સવાલો ઊઠ્યા હતા.
જે .એન એક્સપ્રેસમાં સમાચાર પ્રસિદ્ધ થતાં તંત્રની કાર્યવાહી
જંબુસર શહેરના મુખ્ય બજાર સહિત વિવિધ વિસ્તારોમાં દબાણોની સમસ્યાને લઈને જે .એન એક્સપ્રેસ ન્યૂઝ પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થયા બાદ નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા રિક્ષામાં માઈક લગાવી જાહેરાત કરવામાં આવી હતી કે દુકાનદારો પોતાની દુકાનોની બહાર વાહનો પાર્ક ન કરે અને રસ્તા પર કરવામાં આવેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરી લે.

જાહેરાતમાં વધુમાં જણાવાયું હતું કે સૂચનાનું પાલન નહીં કરવામાં આવે તો નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને તેનો ખર્ચ સંબંધિત માલિકો પાસેથી વસૂલવામાં આવશે. તંત્રની આ સૂચનાને પગલે હવે મુખ્ય બજારમાં દબાણોની સમસ્યાનો કેટલો ઉકેલ આવે છે તેના પર સૌની નજર રહેશે.
ડાભા ચોકડી પાસેના જંગલી બાવળ દૂર કરાતાં રાહત
બીજી તરફ, જંબુસરના ડાભા ચોકડી સર્કલની આસપાસ જંગલી બાવળ અને અન્ય વનસ્પતિ ઊગી નીકળતાં વાહનચાલકોને સામેથી આવતાં વાહનો સ્પષ્ટ દેખાતાં ન હતાં. આ પરિસ્થિતિને કારણે અકસ્માત સર્જાવાની ભીતિ રહેતી હતી. સ્થાનિકો દ્વારા આ વનસ્પતિ દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
આ સમસ્યા અંગે જે .એન એક્સપ્રેસ ન્યૂઝ પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક સફાઈ કરાવી જંગલી બાવળ દૂર કરવામાં આવ્યા હતા. પરિણામે સર્કલની આસપાસનો માર્ગ સાફ થતાં વાહનચાલકોને અવરજવરમાં રાહત મળી છે. આ કામગીરી બદલ સ્થાનિક લોકોએ જે .એન એક્સપ્રેસ નો આભાર વ્યક્ત કર્યો હતો.


કાર્યવાહી કાયમી રહે તેવી લોકમાગ
જંબુસરના નાગરિકોનું કહેવું છે કે મુખ્ય બજારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી માત્ર જાહેરાત પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ નિયમિત નિરીક્ષણ કરીને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. દુકાનદારો, લારી-ગલ્લાવાળાઓ અને વાહનચાલકો માટે નિયમોનું સમાન રીતે પાલન કરાવવામાં આવે તો બજારમાં અવરજવર સરળ બની શકે છે.
હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા મુખ્ય બજારના દબાણો દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં અને શહેરના નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી રાહત મળે છે કે નહીં.

