આમોદ-જંબુસર વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે-64 પર ચાર રસ્તાથી બત્રીસી નાળા સુધીના નવનિર્મિત RCC રોડના લોકાર્પણ બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ધારાસભ્ય ડી.કે. સ્વામી દ્વારા રીબીન કાપીને અને શ્રીફળ વધેરીને માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ આમોદ તાલુકા કોંગ્રેસે ફટાકડા ફોડી ઉજવણી કરતાં રોડના નિર્માણના શ્રેયને લઈને રાજકીય ખેંચતાણ સામે આવી છે. એક તરફ ધારાસભ્યએ રોડનું કામ પૂર્ણ થતાં વિપક્ષ પાસે હવે વિરોધનો કોઈ મુદ્દો રહ્યો નથી તેમ જણાવ્યું, તો બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો કે તેના ઉગ્ર વિરોધ અને જનતાના અવાજના કારણે જ માર્ગનું કામ પૂર્ણ થયું છે. આમ, તૈયાર થયેલા રોડના લોકાર્પણ સાથે જ રાજકીય શ્રેય લેવાની સ્પર્ધા શરૂ થઈ છે. પરંતુ રોડના લોકાર્પણ અને રાજકીય ઉજવણી વચ્ચે સૌથી મહત્ત્વનો પ્રશ્ન વાહનચાલકોની સુરક્ષાનો છે. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ નવનિર્મિત માર્ગ પર જરૂરી સાઈન બોર્ડ, ટ્રાફિક ચિહ્નો, બમ્પર તેમજ શાળા નજીક સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાઓના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ, માર્ગ પર જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ન હોય તો ખાસ કરીને રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. રોડ તૈયાર કરી તેનું લોકાર્પણ કરવું એ વિકાસના કામનો એક ભાગ છે, પરંતુ વાહનચાલકોની સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવી પણ એટલી જ આવશ્યક છે.


કોંગ્રેસે તંત્ર અને ધારાસભ્ય સમક્ષ માગ ઉઠાવી છે કે માર્ગ પર જરૂરી સાઈન બોર્ડ, બમ્પર અને શાળા નજીક સ્પીડ બ્રેકરની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે. પક્ષે ચીમકી આપી છે કે જો આવતીકાલ સુધીમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો અંગે સ્થળ તપાસ કરી જરૂરી પગલાં લે છે કે પછી સુરક્ષાના મુદ્દે પણ રાજકીય ખેંચતાણ આગળ વધે છે. રોડના લોકાર્પણનો શ્રેય કોને મળે તે મુદ્દે રાજકીય મતભેદ હોઈ શકે, પરંતુ માર્ગ પર મુસાફરી કરતા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. લોકાર્પણની ઉજવણીની સાથે માર્ગ સલામતીની વ્યવસ્થાઓની પણ ખાતરી થાય તે જરૂરી છે. હવે તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરીને જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર વાહનચાલકો અને સ્થાનિક લોકોની નજર ટકેલી છે.

