જંબુસર: જંબુસર તાલુકાના ડાભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની અવરજવર અને પશુઓ પરના હુમલાની ઘટનાઓને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર દીપડાએ પશુનો શિકાર કરતા વન વિભાગ સામે દીપડાને પાંજરે પૂરવાની માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, ડાભા ગામના રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા પાડાનો દીપડાએ શિકાર કર્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, થોડા સમય અગાઉ પણ ગામમાં તોશીફભાઈના તબેલામાં બાંધેલા ચારથી પાંચ બકરાંનો દીપડાએ શિકાર કર્યો હતો. પશુઓ પર વારંવાર હુમલાની ઘટનાઓ સામે આવતા ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે.

અગાઉ પણ દીપડાની હાજરીના પુરાવા
ડાભા સહિત આસપાસના ગામોમાં દીપડાની અવરજવર અંગે અગાઉ પણ ચર્ચાઓ અને ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેના કારણે રાત્રિના સમયે પશુપાલકો તેમજ ગ્રામજનોમાં ખાસ કરીને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વારંવાર પશુઓને નિશાન બનાવવામાં આવતા ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરવામાં આવી રહી છે.
હવે જોવાનું રહ્યું કે ડાભા ગામમાં વધી રહેલા દીપડાના આતંકને રોકવા માટે વન વિભાગ દ્વારા ક્યારે અને કેવી અસરકારક કાર્યવાહી કરવામાં આવે છે.

