શ્રાવણ માસને લઈ જંબુસર પંથકમાં શિવભક્તિનો માહોલ

સ્તંભેશ્વર મહાદેવ મંદિર સહિત વિવિધ શિવાલયોમાં રંગરોગાન, સફાઈ અને લાઈટ ડેકોરેશનની તૈયારીઓ

જંબુસર: પવિત્ર શ્રાવણ માસને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જંબુસર પંથકમાં આવેલા વિવિધ મહાદેવ મંદિરોમાં શ્રાવણ માસની ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિરોમાં રંગરોગાન, સાફ-સફાઈ તેમજ લાઈટ ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોવાથી શિવભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જંબુસરથી આશરે 30 કિલોમીટર દૂર કાવી-કંબોઈ ખાતે અરબી સમુદ્રના અખાત નજીક આવેલું સ્તંભેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસ દરમિયાન આસ્થાનું મુખ્ય કેન્દ્ર બની રહે છે. દક્ષિણ ગુજરાતના ‘સોમનાથ’ તરીકે જાણીતા આ તીર્થસ્થળને મહીસાગર સંગમ તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સ્તંભેશ્વર મહાદેવની વિશેષતા એ છે કે ભરતીના સમયે દરિયાનું પાણી મંદિર સુધી પહોંચે છે અને શિવલિંગ જળમગ્ન થઈ જાય છે. જ્યારે ઓટ આવતા દરિયાનું પાણી પરત જાય છે ત્યારે શિવલિંગના ફરીથી દર્શન થાય છે. આ ભરતી-ઓટ સાથે સર્જાતો કુદરતી નજારો શ્રદ્ધાળુઓ માટે આસ્થા સાથે કુદરતનો અદ્વિતીય સંગમ બની રહે છે.

કાશીના પંડિતો કરશે પૂજા-અર્ચના

શ્રાવણ માસ દરમિયાન સ્તંભેશ્વર મહાદેવ મંદિરે કાશીના પંડિતો દ્વારા વિવિધ દ્રવ્યો વડે વિધિવત શિવપૂજા અને અર્ચના કરવામાં આવશે. મંદિર પરિસરની યજ્ઞશાળામાં દરરોજ હોમ-હવન પણ યોજાશે, જેમાં દેશ-વિદેશના યજમાનો ભાગ લેવા માટે આવે છે.

સ્તંભેશ્વરના મહંત વિદ્યાનંદજી મહારાજે જણાવ્યું હતું કે, છેલ્લા 35 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન અહીં મેળો યોજાય છે. શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડે છે. શિવભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માટે ફરાળ તેમજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

જંબુસર યુવક મંડળની પણ સેવા

શ્રાવણ માસ દરમિયાન જંબુસર યુવક મંડળ દ્વારા પણ સેવા કાર્ય કરવામાં આવે છે. ટંકારી ભાગોળથી દરરોજ સવારે વાહનો મારફતે સેવાભાવી યુવાનો સ્તંભેશ્વર મહાદેવ ખાતે સેવા કાર્ય માટે પહોંચે છે અને સેવા કરી ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસ દરમિયાન મંદિર આસપાસ વિવિધ ચીજવસ્તુઓની દુકાનો પણ ઉભી થાય છે. સ્થાનિક વેપારીઓ તેમજ નાના ધંધાર્થીઓ વિવિધ વસ્તુઓનું વેચાણ કરી રોજગાર મેળવે છે. આમ, શ્રાવણ માસ દરમિયાન સ્તંભેશ્વર મહાદેવ ખાતે ધાર્મિક આસ્થા સાથે સ્થાનિક વેપાર-રોજગારને પણ વેગ મળે છે.

પોલીસ તંત્ર પણ સજ્જ

શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા પોલીસ તંત્ર દ્વારા પણ જરૂરી સ્થળોએ પોલીસ પોઈન્ટ ગોઠવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કાર્યવાહી કરવામાં આવશે. મંદિર સંચાલન અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ દર્શનાર્થીઓને સરળતા રહે તે માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

શ્રાવણ માસ શરૂ થવા પૂર્વે જ જંબુસર પંથકના શિવાલયોમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને આગામી દિવસોમાં ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સમગ્ર પંથક શિવભક્તિના રંગે રંગાય તેવી શક્યતા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online