સંજયસિંહ સિંધાની ખેતી બેન્કમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ નિમણુંક કરાઈ

હિતેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી, સહકારી ક્ષેત્રે વધુ સફળતા માટે વ્યક્ત કરી શુભકામનાઓ

જંબુસર: સારોદ ગામના વતની અને જંબુસર તાલુકાના પનોતા પુત્ર તરીકે ઓળખાતા સંજયસિંહ સિંધાની ધ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ (ખેતી બેંક), જંબુસર ખાતે ડિરેક્ટર તરીકે બીજી વખત બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. તેમની બિનહરીફ પસંદગી બદલ નવયુગ વિદ્યાલયના આચાર્ય તથા તેમના માસિયાઈ ભાઈ હિતેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા પાઠવી છે.

સંજયસિંહ સિંધા લાંબા સમયથી જાહેરજીવન તેમજ સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. તેમણે વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર રહીને પોતાની જવાબદારીઓ નિભાવી છે. તેઓ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન, ભરૂચ જિલ્લા રાજપૂત હિતવર્ધક મંડળના પૂર્વ પ્રમુખ તેમજ બે વખત ભરૂચ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.

સહકારી ક્ષેત્રમાં પણ સંજયસિંહ સિંધાનો બહોળો અનુભવ રહ્યો છે. તેઓ જંબુસર એ.પી.એમ.સી.ના પૂર્વ ચેરમેન અને પૂર્વ વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે અને હાલમાં એ.પી.એમ.સી.માં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. આ ઉપરાંત તેઓ ભરૂચ દૂધધારા ડેરીના પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને હાલમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના ડિરેક્ટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.

સંજયસિંહ સિંધા હાલમાં જંબુસર તાલુકા પરચેઝ યુનિયન જીનના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. વિવિધ સહકારી અને જાહેર સંસ્થાઓમાં લાંબા સમયથી કામગીરીનો અનુભવ ધરાવતા સંજયસિંહ સિંધાની ખેતી બેંકના ડિરેક્ટર તરીકે બિનહરીફ પસંદગી તેમના અનુભવ અને સહકારી ક્ષેત્રે સક્રિય ભૂમિકાને વધુ મજબૂતી આપે છે.

આ પ્રસંગે હિતેન્દ્રસિંહ ઠાકોરે સંજયસિંહ સિંધાને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, તેઓ સમાજસેવાના ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાના બહોળા અનુભવ તથા કાર્યક્ષમતાના આધારે સફળતાના નવા શિખરો સર કરે તેવી શુભકામનાઓ છે.

સંજયસિંહ સિંધાની બિનહરીફ પસંદગી બાદ તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online