આમોદ-જંબુસર માર્ગ પર આવેલા ઢાઢર નદીના બ્રિજ પરથી ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ધજાગરા ઉડાવતો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૨૫ ટનની વહન ક્ષમતા ધરાવતા જર્જરિત બ્રિજ પરથી ૩૫ થી૪૦ ટન મીઠું ભરેલા ઓવરલોડ વાહનો ખુલ્લેઆમ દોડી રહ્યા છે. સ્થાનિક જીઆરડી જવાનોએ ત્રણ ઓવરલોડ વાહનો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને પોલીસ પ્રશાસનની કામગીરી સામે સળગતા સવાલો ઊભા કર્યા છે. જિલ્લા કલેક્ટરનું જાહેરનામું કાગળ પર જ સીમિત રહી ગયું હોય તેમ રાત્રિના અંધારામાં ઓવરલોડ વાહનોની હેરાફેરીનો ખેલ બેફામ ચાલી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જંબુસર તરફથી આવતા ભારે વાહનોને રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ હોટલ નજીક લાઈનસર ઊભા રાખવામાં આવે છે. અને ત્યારબાદ બ્રિજ પરથી પસાર કરાવવામાં આવે છે. ઝડપાયેલા ડ્રાઈવરોના ખુલાસા મુજબ, તેઓ છેલ્લા દસ દિવસથી આ જ રીતે ઓવરલોડ માલ સામાન લઈને પસાર થતા હતા, જે તંત્રની ઘોર નિષ્ક્રિયતા દર્શાવે છે.


આ સમગ્ર કૌભાંડમાં પોલીસ અને તંત્રના કેટલાક જવાબદાર વ્યક્તિઓની મિલીભગત અને હપ્તાખોરી હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે. ઘટનાસ્થળે વાહન માલિકો અને સ્થાનિક જમાદાર વચ્ચે ફોન પર વાતચીત થઈ હોવાના દાવો સામે આવતા સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. શું કાયદાનો ભંગ કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે? જો નિયમો સ્પષ્ટ છે તો આ વાહનો બ્રિજ સુધી પહોંચવાની હિંમત કોના પીઠબળથી કરી રહ્યા છે? ૨૫ ટનની ક્ષમતા સામે ૪૦ ટનનો ભાર ખડકીને બ્રિજની સુરક્ષા અને લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી છે. જો કોઈ મોટી હોનારત સર્જાશે તો એની જવાબદારી કોણ લેશે? માત્ર ત્રણ ગાડીઓ પકડીને સંતોષ માનવાને બદલે ભરૂચ જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ છેલ્લા કેટલાક દિવસોના સીસીટીવી ફૂટેજ ચકાસીને, હપ્તાખોરીના આક્ષેપોની તટસ્થ તપાસ કરવી જરૂરી છે અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તમામ જવાબદારો સામે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ.

