amod jn express

આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે થયેલી એક ગંભીર ઘટના હવે શાસનતંત્ર માટે મોટો પ્રશ્ન બની છે. રવિવારના રજાના દિવસે કચેરી બિનઅધિકૃત રીતે ખુલ્લી રાખવામાં આવી હોવાની ઘટના સામે આવતા સમગ્ર મામલો વિવાદમાં આવ્યો છે. આ દરમિયાન કારોબારી અધ્યક્ષ અમીશાબેન પટેલના પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેઠા હોવાના દ્રશ્યો મીડિયામાં સામે આવ્યા, જેને કારણે પંચાયતની કામગીરી અને પારદર્શિતા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

પરંતુ ચોંકાવનારી વાત એ છે કે ઘટનાના કેન્દ્રમાં રહેલા પ્રભાવશાળી વ્યક્તિ સામે કડક પગલાં લેવાની બદલે જવાબદારી એક નિર્દોષ સફાઈ કર્મચારી પર નાખવામાં આવી છે. રજાના દિવસે કચેરી ખોલવામાં આવી હોવાનો આક્ષેપ મૂકીને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ સફાઈ કર્મચારી અશોક સોલંકીને ફરજ પરથી મુક્ત કરી દીધા છે, જેને લઈ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

આ નિર્ણય સામે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘના પ્રમુખ હીરાભાઈ સોલંકીએ કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, સત્તાધીશો અને પ્રભાવશાળાઓને બચાવવા માટે ગરીબ અને નિર્દોષ કર્મચારીને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. સંઘ દ્વારા અશોક સોલંકીને તાત્કાલિક પુનઃફરજ પર લેવા માંગ કરવામાં આવી છે. સાથે જ ચેતવણી અપાઈ છે કે જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ટીડીઓ અને ડીડીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઈઆર કરવાની તૈયારી છે.

બીજી તરફ, આમોદના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે કે રજાના દિવસે કચેરી અને ખાસ કરીને હિસાબી શાખા વડાની પૂર્વ મંજૂરી વગર ખોલવી ગંભીર અનિયમિતતા છે. પત્રકાર દ્વારા મોકલાયેલા વિડિયોમાં કારોબારી અધ્યક્ષના પતિ હિસાબી શાખામાં કામગીરી કરતા દેખાતા હોવાથી નિયમભંગ થયો છે. આ મામલે ચાવીની કસ્ટડી ધરાવતા સફાઈ કર્મચારી અને હિસાબી શાખાના અધિકારી મુકેશભાઈ ડાભીને નોટિસ આપવામાં આવી છે.

વધુમાં, ચૂંટાયેલા પદાધિકારીની ગેરલાયકાત અંગે પંચાયત અધિનિયમ હેઠળ જિલ્લા વિકાસ અધિકારીને વિગતવાર અહેવાલ મોકલવામાં આવ્યો છે. હવે સૌની નજર જિલ્લા તંત્ર પર છે કે સાચા દોષિત સામે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર પ્રભાવશાળાને બચાવી લેવામાં આવશે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online