વાવ ગામ માં BVC કંપનીના કેમિકલ ભરેલા ટેમ્પાને ગ્રામજનોએ રોક્યો

દુર્ગંધ અને શ્વાસ લેવામાં તકલીફનો આક્ષેપ; ભારે વાહનોની અવરજવરથી અકસ્માતનો ભય GPCB, GIDC અને કંપનીની કામગીરી સામે સવાલો
વાગરા તાલુકાના વાવ ગામે BVC કંપનીમાંથી કેમિકલ ભરીને લઈ જતાં ટેમ્પાને ગ્રામજનોએ રોકી વિરોધ નોંધાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ટેમ્પામાં લઈ જવાતું કેમિકલ અત્યંત તીવ્ર દુર્ગંધ ધરાવતું હતું અને તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાઈ હતી. ઘટનાને પગલે ગામમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામજનોનો આક્ષેપ છે કે વાવ ગામમાંથી પસાર થતો માર્ગ મુખ્યત્વે ગ્રામજનો અને રાહદારીઓના ઉપયોગનો રસ્તો હોવા છતાં કંપનીઓના મોટા અને ભારે વાહનોની અવરજવર સતત થઈ રહી છે. જેના કારણે નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો તેમજ રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું છે. ભારે વાહનોના નિયમન અંગે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે.


કેમિકલમાંથી આવતી દુર્ગંધ અંગે ગ્રામજનો દ્વારા કે.એન. વાઘમશી, પ્રાદેશિક અધિકારી, GPCB ભરૂચ/દહેજને ટેલીફોનિક જાણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ GPCB તરફથી આ બાબત GIDC વિસ્તારમાં આવતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ GIDCનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કથિત રીતે ફોન પર યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
જો આ બાબત સાચી હોય તો કેમિકલના પરિવહન દરમિયાન સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં, વાહન યોગ્ય રીતે સીલ કરાયેલું છે કે નહીં, લીકેજ કે વરાળ બહાર નીકળવાની શક્યતા છે કે નહીં તથા સંબંધિત પરવાનગીઓ અને સલામતીના ધોરણોનું પાલન થાય છે કે નહીં, તેની સત્તાવાર તપાસ જરૂરી બની છે.કંપનીના અધિકારીઓને પણ પૂછવામાં આવ્યા સવાલો, મળ્યા ટાળટૂળભર્યા જવાબો
આ સમગ્ર મામલે કંપનીનું વલણ જાણવા માટે BVC કંપનીના સંબંધિત અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, કંપનીના અધિકારીઓ દ્વારા ઘટનાને લઈને સ્પષ્ટ અને સીધો જવાબ આપવાને બદલે ટાળટૂળભર્યા તથા ગોળગોળ જવાબો આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.ખાસ કરીને કેમિકલ કયા પ્રકારનું હતું, તેના પરિવહન માટે કઈ સલામતી વ્યવસ્થા કરવામાં આવી હતી, ગામના માર્ગ પરથી આ વાહનને પસાર કરવાની મંજૂરી કયા આધારે આપવામાં આવી હતી અને ગ્રામજનો દ્વારા દુર્ગંધ તથા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેવા સવાલોના સ્પષ્ટ જવાબો મળ્યા કે કેમ તે અંગે પણ હવે ચર્ચા શરૂ થઈ છે.કંપનીના અધિકારીઓ જો કેમિકલનું પરિવહન સંપૂર્ણપણે નિયમસર અને સલામત હોવાનો દાવો કરતા હોય તો તેની સંબંધિત પરવાનગીઓ, સલામતીના ધોરણો અને પરિવહન સંબંધિત દસ્તાવેજો અંગે સ્પષ્ટતા કરવી જોઈએ, તેવી ગ્રામજનોની માંગ છે.
કડોદરા ગ્રામપંચાયતના અગાઉના બોર્ડ છતાં ભારે વાહનોની અવરજવર?
ઉલ્લેખનીય છે કે BVC કંપની કડોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. અગાઉ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા કંપનીના વાહનોને આ માર્ગ પરથી અવરજવર ન કરવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. બોર્ડમાં નિયમનો ભંગ થાય તો ગ્રામ પંચાયત દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી હોવાનું ગ્રામજનોનું કહેવું છે.
આવા સંજોગોમાં હવે મુખ્ય સવાલ એ ઊભો થાય છે કે જો ગ્રામ પંચાયત દ્વારા અગાઉ જ કંપનીના વાહનો માટે માર્ગ ઉપયોગ અંગે પ્રતિબંધાત્મક સૂચના આપવામાં આવી હતી, તો ત્યારબાદ પણ ભારે વાહનો આ માર્ગ પરથી કેવી રીતે પસાર થઈ રહ્યા છે? શું અગાઉ લગાવવામાં આવેલા બોર્ડનો અમલ થાય છે કે માત્ર કાગળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી? તે તપાસનો વિષય બન્યો છે.નાળું બનાવવા અંગે પણ ગ્રામજનોમાં ઉઠ્યા સવાલો બીજી તરફ, ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે BVC કંપનીને કડોદરા ચોકડીથી કડોદરા ગામ તરફ જતા રસ્તાના ઉપયોગ/વ્યવસ્થા સાથે જોડાયેલી શરતોના સંદર્ભમાં કાસ ઉપર નાળું બનાવવા માટે અગાઉ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પરવાનગી આપવામાં આવી હતી.

ગ્રામજનોનો વધુમાં આક્ષેપ છે કે આવી પરવાનગી આપતા પહેલાં ગ્રામસભા સમક્ષ મુદ્દો રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં, પંચાયતની બેઠકમાં યોગ્ય ઠરાવ કરવામાં આવ્યો હતો કે નહીં તથા પંચાયતની સત્તા અને લાગુ કાયદા-નિયમો મુજબ જરૂરી પ્રક્રિયા અનુસરવામાં આવી હતી કે નહીં, તેની તપાસ થવી જોઈએ.

આ અંગે ગ્રામજનોમાં એવી પણ ચર્ચા છે કે કંપનીને લાભ પહોંચાડવા માટે પંચાયત સ્તરે નિયમોની અવગણના કરવામાં આવી હોઈ શકે છે. જોકે આ બાબતે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામેનો આક્ષેપ સત્તાવાર તપાસ અને પુરાવા બાદ જ સાચો કે ખોટો ઠરી શકે છે.
હવે જવાબદાર તંત્ર શું કાર્યવાહી કરશે?
વાવ ગામની ઘટનાએ કંપનીના કેમિકલ પરિવહન, ગ્રામ્ય માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર, જાહેર સલામતી, પર્યાવરણ તેમજ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવેલી મંજૂરીઓની કાયદેસરતા અંગે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે.

ગ્રામજનોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા ઘટનાની સ્થળ તપાસ કરવામાં આવે, કેમિકલનું નામ અને સ્વરૂપ જાહેર કરવામાં આવે, જરૂરી હોય તો કેમિકલના નમૂના લઈ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, વાહનની જરૂરી પરવાનગીઓ અને સલામતીના ધોરણોની ચકાસણી કરવામાં આવે તથા ગ્રામ્ય માર્ગ પરથી ભારે વાહનોની અવરજવર અંગે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે.

સાથે જ કડોદરા ગ્રામ પંચાયત દ્વારા અગાઉ લગાવવામાં આવેલા બોર્ડ છતાં જો નિયમભંગ ચાલુ રહ્યો હોય તો પંચાયત દ્વારા અગાઉની સૂચનાઓનો અમલ કેમ થયો નહીં અને જવાબદાર સામે શું કાર્યવાહી કરવામાં આવી, તે પણ સ્પષ્ટ કરવાની માંગ ઉઠી છે.
હવે જોવાનું એ રહ્યું કે વાવ ગામના ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવેલા ગંભીર આક્ષેપો અંગે GPCB, GIDC અને કડોદરા ગ્રામ પંચાયત સહિતનું જવાબદાર તંત્ર કાયદેસરની તપાસ અને કાર્યવાહી કરે છે કે પછી મામલો એકબીજા વિભાગ પર જવાબદારી ઢોળવામાં જ અટકી જાય છે.
કંપનીના અધિકારીઓને પણ રજૂઆત અને સવાલો કરવામાં આવ્યા હોવા છતાં જો સ્પષ્ટ જવાબો આપવાને બદલે ટાળટૂળભર્યા જવાબો જ આપવામાં આવ્યા હોય, તો સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરવાની જવાબદારી હવે તંત્રની બની છે. આ સમગ્ર મામલે વાવ અને કડોદરા વિસ્તારના ગ્રામજનોની નજર હવે તંત્રની આગામી કાર્યવાહી પર મંડાઈ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online