ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એવા પવિત્ર જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશમાં ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આમોદ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
આમોદના જનતા ચોક ખાતે જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને લઈને સ્થાનિક લોકો તેમજ યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મટકી ફોડ કાર્યક્રમ દરમિયાન યુવાનો દ્વારા માનવ પિરામિડ બનાવી મટકી ફોડવાનો પ્રયાસ કરવામાં આવશે, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે.
જનતા ચોક ખાતે આવેલું રણછોડજી મંદિર ગણપતિ મંદિર તેમજ સ્વામિનારાયણ મંદિરે પણ આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દ્વારા ભગવાનના દર્શન, પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. મંદિરોને શણગારવામાં આવ્યા હોવાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે.


જન્માષ્ટમી નિમિત્તે ભજન-કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષથી જનતા ચોક સહિત સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. મટકી ફોડ કાર્યક્રમને લઈને બાળકો, યુવાનો અને મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આયોજકો દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે આમોદ શહેરમાં ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો સંગમ જોવા મળેલ હતો.

