તળાવ-કાંસ ઊંડા કરવાની કામગીરીમાં ગેરરીતિની સ્થાનિક ખેડૂત આગેવાનોની આશંકા, ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તાઓ બિસ્માર
જંબુસર: જંબુસર તાલુકાના મંગણાદ ગામે રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ તથા કાંસ ઊંડા કરવાની કામગીરી માટે દેવ કન્ટ્રક્શન અને ખોડિયાર ટ્રેડિંગ નામના કોન્ટ્રાક્ટરોને ખોદકામની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, ચાલી રહેલી કામગીરીમાં મોટા પાયે ગેરરીતિ તથા સત્તાના દુરુપયોગની સંભાવના હોવાના આક્ષેપો સ્થાનિક ખેડૂત આગેવાનો દ્વારા કરવામાં આવ્યા છે.

સ્થાનિક ખેડૂત આગેવાનો ભરતભાઈ મકવાણા અને મુકેશભાઈ સિમર દ્વારા આ અંગે રજૂઆત કરી સમગ્ર કામગીરીની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત મુજબ સર્વે નંબર 1102ની તલાવડીમાં ગ્રામ પંચાયતના ઠરાવ વિના ખોદકામનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જ્યારે સર્વે નંબર 1575ની તલાવડીમાં અગાઉ ખોદકામ થઈ ચૂક્યું હોવા છતાં ફરીથી ખોદકામ હાથ ધરવામાં આવતા સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઓવરલોડ ટ્રકોના કારણે રસ્તાઓની હાલત કફોડી
ખોદકામ દરમિયાન દિવસ-રાત જેસીબી મશીનો દ્વારા માટી કાઢી ઓવરલોડ માટી ભરેલી ટ્રકો પસાર કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જેના કારણે નવીનગરી વિસ્તારથી મંગણાદ મુખ્ય માર્ગ, અંબાજી માતાના મંદિરથી ખેડૂતોના ખેતરો તરફ જતો માર્ગ તેમજ મહાપુરા તરફ જતો રસ્તો ભારે નુકસાન પામ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
રસ્તા પર મોટા ખાડા અને ટેકરા પડી જતા વાહનચાલકો તેમજ ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને આ માર્ગનો રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં લોકો ઉપયોગ કરતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બની હોવાનું સ્થાનિકોનું કહેવું છે.
ત્રણ મહિના બાદ પણ કાર્યવાહી નહીં
સ્થાનિકો દ્વારા રસ્તાની બિસ્માર હાલત અંગે રજૂઆત કર્યાને લગભગ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી, તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સંબંધિત અધિકારીઓને વારંવાર જાણ કરવામાં આવી હોવાનું તેમજ અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ રસ્તાની વાસ્તવિક સ્થિતિ નિહાળવામાં આવી હોવા છતાં રસ્તાના સમારકામ અંગે કોઈ કામગીરી હાથ ધરાઈ ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જે કોન્ટ્રાક્ટરના વાહનો દ્વારા માટીની હેરફેર કરવામાં આવી છે, તેમની પણ રસ્તાને થયેલા નુકસાનની ભરપાઈ કરી રસ્તો પૂર્વવત કરવાની જવાબદારી નક્કી થવી જોઈએ.
સ્થાનિકોએ સમગ્ર ખોદકામની તટસ્થ તપાસ કરી સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ કરવા તેમજ તાત્કાલિક ધોરણે બિસ્માર રસ્તાનું સમારકામ કરાવવા માંગ કરી છે. જો વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે અને તેની સમગ્ર જવાબદારી સરકાર તથા સંબંધિત તંત્રની રહેશે, તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

