બનાવટી મેરેજ સર્ટિફિકેટ બનાવી યુવતીને ભગાડવાના આક્ષેપમાં સખત કાર્યવાહી કરવાની પરિવારની માગ

યુવતીનું સ્વતંત્ર કાઉન્સેલિંગ કરાવી પરિવાર સમક્ષ રજૂ કરવાની પણ માંગ; મદદગારી કરનારને આરોપી બનાવવાની રજૂઆત

જંબુસર: જંબુસરના શિક્ષકની પુત્રીને ફૈઝલ દીવાન નામનો યુવાન ભગાડી ગયો હોવાના બનાવમાં હવે યુવતીના પરિવારજનોએ પોલીસ સમક્ષ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારજનોએ આરોપી વિરુદ્ધ વધુ સખત કલમો ઉમેરવા તેમજ કથિત બનાવટી મેરેજ સર્ટિફિકેટ તૈયાર કરવામાં મદદ કરનાર વ્યક્તિઓને પણ આરોપી તરીકે સામેલ કરવાની રજૂઆત જંબુસર પોલીસ મથકમાં કરી છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ, ફૈઝલ દીવાનના મામા ફિરોઝ દીવાન દ્વારા જંબુસર પોલીસને એક મેરેજ સર્ટિફિકેટ મોકલવામાં આવ્યું હતું. આ સર્ટિફિકેટની ખરાઈ કરાવવાની સલાહ મળ્યા બાદ યુવતીના પરિવારજનોએ વડોદરાના કુબેર ભવન ખાતે આવેલી લગ્ન નોંધણી કચેરીમાં તપાસ કરી હતી. પરિવારના જણાવ્યા મુજબ, લગ્ન નોંધણી અધિકારીએ આવા કોઈ લગ્નની નોંધણી થઈ ન હોવાનું લેખિતમાં જણાવ્યું હતું.

આ મામલે જંબુસર પોલીસે ફૈઝલ દીવાન વિરુદ્ધ બોગસ મેરેજ સર્ટિફિકેટ બનાવવા અંગે ગુનો નોંધ્યો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. જોકે, સર્ટિફિકેટ પોલીસને મોકલનાર મામા ફિરોઝ દીવાન સહિત કથિત રીતે સર્ટિફિકેટ બનાવવામાં મદદ કરનાર તથા બોગસ સહી-સિક્કા કરનાર વ્યક્તિઓ સામે પણ કાર્યવાહી કરી તેમને આરોપી બનાવવાની માંગ કરવામાં આવી છે.

પરિવારજનોએ આરોપી વિરુદ્ધ BNSની કલમ 338, 61, 3(5), 319, 344 અને 204 ઉમેરવા માટે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.

યુવતીને પરિવાર સમક્ષ લાવી સ્વતંત્ર કાઉન્સેલિંગની માગ

યુવતીના પરિવારજનોએ પોલીસ સમક્ષ એવી પણ માંગ કરી છે કે યુવતીને એક વખત પરિવારજનોની સમક્ષ લાવવામાં આવે અને તેનું કોઈ સ્વતંત્ર વ્યક્તિ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવે. યુવતી પોતાની મરજીથી અને કોઈ ભય કે ધમકી વિના ગઈ હોવાનું કાઉન્સેલિંગ દરમિયાન સ્પષ્ટ થાય તો પરિવારજનોને કોઈ વાંધો નહીં હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

પુત્રની MBBSની ફી હવે કેવી રીતે ભરીશું?”

યુવતીની માતાએ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર બનાવની વાત જાહેરમાં ફેલાતા તેની સીધી અસર તેમના ટ્યુશન ક્લાસની આવક પર પડી છે. અગાઉ તેમના ક્લાસમાં આશરે 50 વિદ્યાર્થીઓ આવતા હતા, જે હવે ઘટીને માત્ર 10 જેટલા રહી ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર ખાનગી યુનિવર્સિટીમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને પુત્રીના બનાવ બાદ આવકમાં ઘટાડો થતાં હવે પુત્રની અભ્યાસની ફી કેવી રીતે ભરવી તેવો પ્રશ્ન પણ પરિવાર સામે ઊભો થયો છે. પરિવારજનોનું કહેવું છે કે તેઓ પોતાની પુત્રીને મળવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે અને યુવતીને સુરક્ષિત રીતે પરિવાર સમક્ષ રજૂ કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online