ડાભા ગામે શાળા પ્રવેશોત્સવની ઉજવણી: 50 નવા ભૂલકાઓનું ઉષ્માભર્યું સ્વાગત

ONGCના સહયોગથી 365 વિદ્યાર્થીઓને રૂ. 12 લાખની શૈક્ષણિક કીટનું વિતરણ, સરપંચ સબ્બીર આલમનું સન્માન

જંબુસર તાલુકાના ડાભા ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વેડચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ધોડિયા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા, જ્યારે ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશભાઈ રાઠોડે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. મહાનુભાવોના હસ્તે બાલવાટિકા અને ધોરણ-1માં પ્રવેશ મેળવનાર આશરે 50 જેટલા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પવર્ષા અને શૈક્ષણિક સામગ્રી આપી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણના મહત્વ અંગે વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહેમાનોએ બાળકોને નિયમિત શિક્ષણ મેળવી જીવનમાં સફળતા હાંસલ કરવા તેમજ સમાજના જવાબદાર નાગરિક બનવા પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ONGC વડોદરાના સહયોગથી શાળાના 365 વિદ્યાર્થીઓને અંદાજે રૂ. 12 લાખની શૈક્ષણિક કીટનું વિતરણ રહ્યું હતું. વિદ્યાર્થીઓને સ્કૂલબેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, કલર કીટ સહિત શિક્ષણ માટે ઉપયોગી વિવિધ સામગ્રી આપવામાં આવી હતી. આ સહયોગથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ રસ અને આત્મવિશ્વાસ વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ડાભા ગામના સરપંચ સબ્બીર આલમને ગામના સર્વાંગી વિકાસ, શિક્ષણ ક્ષેત્રે આપેલા યોગદાન અને શાળાને સતત મળતા સહયોગ બદલ શાળા પરિવાર દ્વારા પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પંચાયતના દંડક મહેશભાઈ રાઠોડ, પીઆઈ મહેશ ધોડિયા, હરદીપસિંહ, જંબુસર શિક્ષણ વિભાગના અધિકારીઓ, સરપંચ સબ્બીર આલમ, શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અંતમાં શાળા પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online