સ્વચ્છતાના સૂત્રો દિવાલ પર, ગંદકીના ઢગલા રસ્તા પર! જંબુસરમાં સ્વચ્છ અભિયાન સામે વાસ્તવિકતાનો ચહેરો

swachh abhiyan pol khuli jambusar JN EXPRESS

માંડવ ફળિયા-લીમડી ચોકમાં કચરાના ઢગલાથી લોકો પરેશાન, ચોમાસા પહેલાં રોગચાળાનો ભય; તંત્ર સામે ઉઠ્યા સવાલો

એક તરફ સરકાર અને નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા જ સેવા” અને “સ્વચ્છ સર્વેક્ષણ” જેવા અભિયાનોને સફળ બનાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ જંબુસર શહેરના માંડવ ફળિયા-લીમડી ચોક વિસ્તારમાં જોવા મળતી પરિસ્થિતિ આ દાવાઓ સામે અનેક સવાલો ઊભા કરી રહી છે.

વિસ્તારમાં સ્વચ્છતા અંગેના સૂત્રોથી સજ્જ દિવાલોની નીચે જ ગંદકીના મોટા ઢગલા જોવા મળતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘરેલુ કચરો, પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ગંદકી ખુલ્લામાં પડેલી રહેતાં સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા સમયથી અહીં નિયમિત સફાઈ થતી નથી. ગંદકીના કારણે રખડતા પશુઓ અને પક્ષીઓ પણ અહીં ભેગા થતાં હોય છે, જેના કારણે આરોગ્ય સંબંધિત જોખમો વધવાની શક્યતા છે.

ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કચરાના ઢગલામાં વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધી શકે છે, જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગો ફેલાવાનો ખતરો ઊભો થઈ શકે છે.

વિડંબના એ છે કે જે દિવાલ પર સ્વચ્છતા અંગેના સંદેશા અને અભિયાનના સૂત્રો લખવામાં આવ્યા છે, તેની સામે જ ગંદકીના ઢગલા પડેલા જોવા મળે છે. જેના કારણે લોકોમાં એવી ચર્ચા ઉઠી છે કે, “શું તંત્ર ખરેખર જંબુસરને સ્વચ્છ બનાવવા માંગે છે કે પછી ‘ગંદુસર’ બનાવવા તરફ અગ્રેસર છે?”

સ્વચ્છ શહેરના દાવાઓ વચ્ચે માંડવ ફળિયા-લીમડી ચોકની આ સ્થિતિ હવે નગરજનોમાં ચર્ચાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર સૂત્રો સુધી સીમિત રહેશે કે પછી જમીન પર પણ સ્વચ્છતાની અસર જોવા મળશે.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online