જંબુસર તાલુકાના મંગણાદ ગામ પાસે વહેલી સવારના સમયે એક કરુણ અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મંગણાદ ગામના રહેવાસી વિજય ખુમાનસિંહ વાવડ (ઉંમર 30) બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન અચાનક રસ્તા પર દોડતી નીલગાય તેમની બાઈક સાથે અથડાઈ હતી.
આ અથડામણ બાદ વિજય વાવડનો સંતુલન બગડતા તેઓ સામે આવી રહેલી કાર સાથે જોરદાર રીતે અથડાયા હતા. અકસ્માતમાં તેમને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને જંબુસરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
યુવાનના અચાનક અને અકાળે નિધનથી મંગણાદ ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે ગૌચરની જમીન પર વ્યાપક ગેરકાયદે કબજાઓ થવાને કારણે પશુઓ માટે ચારો અને ખુલ્લી જગ્યા બચી નથી. પરિણામે નીલગાય સહિતના પશુઓ મુખ્ય માર્ગો પર ફરી રહ્યા છે અને વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે.
ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે. ગૌચરની જમીનમાંથી કબજો દૂર કરવો, માર્ગો પર પશુઓ ન આવે તે માટે અસરકારક વ્યવસ્થા કરવી તેમજ જોખમી વિસ્તારોમાં ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવાની માગ ઉઠી છે. લોકોનું કહેવું છે કે જો હવે પણ પગલાં નહીં લેવાય તો આવાં અકસ્માતો વધુ નિર્દોષ જીવ લેશે.

