ગાયનેકોલોજિસ્ટ સહિત નિષ્ણાત તબીબોની કાયમી નિમણૂક, નર્સિંગ સ્ટાફ અને જરૂરી તબીબી સુવિધાઓ વધારવાની માંગ
જંબુસર: જંબુસર શહેર તેમજ તાલુકાની મોટી વસ્તી માટે મહત્વની સરકારી આરોગ્ય સેવા તરીકે કાર્યરત જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં તબીબી સ્ટાફની અછતનો પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. હોસ્પિટલમાં પૂરતી સંખ્યામાં કાયમી નિષ્ણાત તબીબો ઉપલબ્ધ ન હોવાના કારણે દર્દીઓને સમયસર અને યોગ્ય સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી હોવાની રજૂઆત પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ કરવામાં આવી છે.

પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ આરોગ્ય મંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, ભરૂચ જિલ્લાના જંબુસર શહેર અને તાલુકાનો વિશાળ વિસ્તાર ધરાવતો હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો સરકારી આરોગ્ય સેવાઓ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પર નિર્ભર રહે છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર તેમજ દવાઓ મેળવવા માટે હોસ્પિટલમાં આવે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં પૂરતી સંખ્યામાં તબીબો અને નિષ્ણાત તબીબી સ્ટાફ હોવો અત્યંત જરૂરી છે.
રજૂઆતમાં ખાસ કરીને જણાવાયું છે કે હોસ્પિટલમાં હાલ માત્ર મર્યાદિત તબીબી સ્ટાફ ઉપલબ્ધ હોવાથી દર્દીઓની સંખ્યાની સરખામણીએ તબીબોની સંખ્યા ખૂબ ઓછી પડે છે. પરિણામે દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે અને કેટલીક વખત સમયસર સારવાર મળી શકતી નથી. ખાસ કરીને મહિલા દર્દીઓ માટે ગાયનેકોલોજિસ્ટ એટલે કે સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ ઉપલબ્ધ ન હોવાને કારણે મુશ્કેલી વધુ ગંભીર બનતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહિલાઓને સ્ત્રીરોગ સંબંધિત સારવાર માટે અન્યત્ર જવું પડે અથવા રિફર કરવામાં આવતી હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને વધારાનો સમય તથા ખર્ચ ભોગવવો પડે છે. જંબુસર જેવા તાલુકા મથકે કાર્યરત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જ મહિલાઓને જરૂરી સારવાર મળી રહે તે માટે ગાયનેકોલોજિસ્ટ સહિતના નિષ્ણાત તબીબોની કાયમી નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ, જંબુસર શહેર અને તાલુકાની જનતાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં વિવિધ વિભાગોના કાયમી નિષ્ણાત તબીબોની નિમણૂક જરૂરી છે. તેમાં ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન, બાળરોગ નિષ્ણાત, સર્જન તેમજ અન્ય જરૂરી તબીબી નિષ્ણાતોની પૂરતી સંખ્યામાં નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ ઉપરાંત હોસ્પિટલમાં જરૂરી નર્સિંગ સ્ટાફ તેમજ અન્ય તબીબી કર્મચારીઓની અછત દૂર કરવા અને દર્દીઓને ગુણવત્તાસભર તથા સમયસર સારવાર મળી રહે તે માટે જરૂરી તબીબી સાધનો અને સુવિધાઓ વધારવા પણ માંગ કરવામાં આવી છે.
પૂર્વ ધારાસભ્યે આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું છે કે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પૂરતી સંખ્યામાં કાયમી તબીબોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે, તમામ જરૂરી નિષ્ણાત તબીબો નિયમિત રીતે ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે અને હોસ્પિટલમાં જરૂરી તબીબી તથા નર્સિંગ સ્ટાફ વધારવામાં આવે.
જનઆરોગ્યના હિતમાં તાત્કાલિક નિર્ણયની માંગ
જંબુસર તાલુકાની જનતાને ગુણવત્તાસભર સરકારી આરોગ્ય સેવા સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે હોસ્પિટલમાં સ્ટાફની અછતનો પ્રશ્ન તાત્કાલિક ઉકેલવો જરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે હકારાત્મક અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે. હવે આરોગ્ય વિભાગ દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની તબીબી જરૂરિયાતો અંગે શું નિર્ણય લેવામાં આવે છે તેના પર સ્થાનિક જનતાની નજર રહેશે.

