જંબુસર: ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જન્મદિવસ નિમિત્તે જંબુસર શહેરમાં ઈદ-એ-મિલાદુન નબીની ઉજવણી ધાર્મિક ભાવના અને શાનોશૌકતપૂર્વક કરવામાં આવી હતી. પ્રસંગને લઈને શહેરની વિવિધ મસ્જિદો તથા મુખ્ય માર્ગો પર રોશની અને શણગાર કરવામાં આવતા સમગ્ર નગર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું.

સવારે 10 વાગ્યે શહેરમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત શહેરની વિવિધ મસ્જિદોમાં સલાતો-સલામ, દુઆ તથા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ મદ્રેસાઓના નાના બાળકો દ્વારા પણ શિસ્તબદ્ધ રીતે ઝુલુસ કાઢવામાં આવ્યો હતો.
રબીઉલ અવ્વલના પ્રથમ ચાંદથી સતત 12 દિવસ સુધી શહેરની જુદી જુદી મસ્જિદોમાં દરદપાકની મહેફિલ, દુરૂદ-સલામ, ખત્મે કુરાન તથા તકરિરી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈદ-એ-મિલાદની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે શહેરની શેરીઓ અને મુખ્ય માર્ગોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા.
બપોરે ઝોહરની નમાઝ બાદ જંબુસરની જુમ્મા મસ્જિદ ખાતેથી ભવ્ય જુલુસ નીકળ્યો હતો. જુલુસ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કપાસીયા પુરા, ઘાંચીવાડ, કોટ બારણા, માઈનો લીમડો, તલાવપુરા સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ ગંજ શહીદ દાદા (રહે.)ના મજાર પર પહોંચ્યો હતો. જ્યાં ફાતેહા ખાની કરવામાં આવી હતી તેમજ બાલ મુબારકની ઝિયારત કરવામાં આવી હતી. આ સાથે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની પરંપરા મુજબ આ ઈદ એ મીલાદના આ ધાર્મિક પ્રસંગે ડીવાયએસપી સાહેબ સહિત રજા એ યંગ કમિટીના પ્રમુખ સાકીર મલેક, અનીશ વકીલ, દોલા સાહેબ, અસ્મદ અલી બાપુ સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જંબુસર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

