ગુજરાત ભાજપમાં તાજેતરમાં રચાયેલા નવા પ્રદેશ સંગઠન બાદ આજે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે. નવા નિયુક્ત પ્રદેશ હોદ્દેદારો આજે સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. સંગઠન જાહેર થયા પછીની આ પ્રથમ બેઠક હોવાથી રાજકીય દ્રષ્ટિએ તેને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
બેઠકમાં ચર્ચાનો મુદ્દો?
આ બેઠક પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રીની અધ્યક્ષતામાં યોજાશે. તમામ નવા નિયુક્ત મહામંત્રી, ઉપપ્રમુખો, પ્રદેશ મંત્રીઓ તેમજ વિવિધ મોરચાના આગેવાનોને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
બેઠક દરમિયાન
- ભાજપના આગામી કાર્યક્રમોની રૂપરેખા
- સંગઠનને તળિયે સુધી મજબૂત બનાવવાની રણનીતિ
- કાર્યકરોને વધુ સક્રિય બનાવવા માટેના માર્ગદર્શન પર વિસ્તૃત ચર્ચા
નવી ટીમ, નવી જવાબદારીઓ
જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક થયા બાદ શનિવારે મોડી રાત્રે ભાજપ પ્રદેશ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી હતી. નવી ટીમમાં કુલ 10 ઉપપ્રમુખો સહિત અનેક મહત્વના હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમ સાથે આજે સવારે 10 વાગ્યે કમલમ ખાતે બેઠક યોજાઈ રહી છે.
2027ની ચૂંટણી પર નજર
બેઠકમાં ખાસ કરીને 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક તૈયારીઓ, જનસંપર્ક કાર્યક્રમો અને કાર્યકરોની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા થવાની સંભાવના છે. સંગઠનને ગ્રામ્ય સ્તરથી લઈને શહેર સુધી વધુ મજબૂત બનાવવા માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે.
નવા પ્રદેશ હોદ્દેદારોની યાદી
પ્રદેશ ભાજપ સંગઠનમાં બાકી રહેલી નિમણૂંકોની પણ જાહેરાત કરવામાં આવી છે.
- મહામંત્રી:
અનિરૂદ્ધ દવે (કચ્છ),
ડો. પ્રશાંત કોરાટ (રાજકોટ),
અજય બ્રહ્મભટ્ટ (ખેડા),
હિતેન્દ્ર ચૌહાણ (સુરેન્દ્રનગર) - મુખ્ય પ્રવક્તા: ડો. અનિલ પટેલ
- મીડિયા ઇન્ચાર્જ: પ્રશાંત વાળા
- કોષાધ્યક્ષ: ડો. પરિન્દુ ભગત
- સહ-કોષાધ્યક્ષ: મોહન કુંડારીયા
આ ઉપરાંત કિસાન મોરચા, યુવા મોરચા, મહિલા મોરચા તેમજ SC-ST, OBC અને અલ્પસંખ્યક મોરચાના પ્રદેશ પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે.

