જંબુસરમાં તસ્કરોનો તરખાટ યથાવત્ : પોલીસની કામગીરી સામે સવાલો

એક વર્ષમાં 10થી વધુ ચોરીના બનાવો છતાં એકેય ગુનાનો ભેદ નહીં ઉકેલાતા લોકોમાં ભારે રોષ

જંબુસર : જંબુસર શહેર અને તાલુકામાં ચોરીના બનાવોનો સિલસિલો યથાવત્ રહેતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરના મુખ્ય ચોકસી બજાર, સોની ચકલા સહિતના વિસ્તારોમાં લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરીના બનાવો બન્યા હોવા છતાં અનેક ગુનાઓનો ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

જંબુસર શહેરમાં પોલીસ ચોકીથી માત્ર આશરે 15 મીટરના અંતરે શેઠ કડકી વિસ્તારમાં ધીરધારનો વ્યવસાય કરતા હિતેશભાઈ ચોકસીની દુકાનમાં લોકો સોના-ચાંદીના દાગીના ગીરવે મૂકી વ્યાજે નાણાં લેતા હતા. ગીરવે મૂકેલા દાગીના પરત લેવા આવતા ગ્રાહકોને દાગીના ચોરી થઈ ગયા હોવાનું જણાવી પરત ન આપવામાં આવતા કેટલાક લોકોને પોતાના દાગીના ગુમાવવાનો વારો આવ્યો હોવાની ગંભીર બાબત સામે આવી છે. આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ ઉઠી છે.

માત્ર શહેર પૂરતું જ નહીં, તાલુકાના દહરી, અણખી સહિતના ગામોમાં પણ લાખોની ચોરીના બનાવો બન્યા છે. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં થયેલી ચોરીના બનાવો પણ પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર ચોરીના બનાવો બનવા છતાં ચોર ટોળકી સુધી પોલીસ પહોંચી શકી નથી.

એક જ રાત્રે ત્રણ સ્થળે તસ્કરોની ઘૂસણખોરી

ગત રાત્રે જંબુસરના પઠાણી ભાગોળ વિસ્તારમાં તસ્કરોએ લીંબચ માતાના મંદિર, કાલકા માતાના મંદિર તેમજ કબ્રસ્તાનમાં ઘૂસીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. લીંબચ માતા મંદિર અને કાલકા માતા મંદિરની દાનપેટીમાંથી રોકડ રકમ તેમજ કાલકા માતાના આભૂષણોની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મંદિરના ટ્રસ્ટીઓને ઘટનાની જાણ થતાં વહેલી સવારે તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને મંદિરની તપાસ કર્યા બાદ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. સીસીટીવીમાં ચોર કેદ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. સમગ્ર બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરવામાં આવી છે.

10થી વધુ ચોરી છતાં એકેય ભેદ નહીં ઉકેલાયો?

શહેર અને તાલુકામાં છેલ્લા એક વર્ષમાં 10થી વધુ ચોરીના બનાવો બન્યા હોવાના પગલે લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ચોરી બાદ તપાસ શરૂ થાય છે, સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવે છે, પરંતુ ચોરો સુધી પહોંચવામાં સફળતા ન મળતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે.

સ્થાનિકોનું કહેવું છે કે જો ચોરીના અગાઉના બનાવોમાં આરોપીઓ ઝડપાતા નહીં હોય તો તસ્કરોના હૌસલા વધે તે સ્વાભાવિક છે. પોલીસ દ્વારા અગાઉના વણઉકેલાયેલા ગુનાઓની તપાસને પણ ઝડપી બનાવી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હોમગાર્ડના પોઇન્ટ વધારવાની પણ માંગ

સ્થાનિકોના જણાવ્યા મુજબ જંબુસર વિસ્તારમાં હોમગાર્ડના જવાનોની સંખ્યા 150થી વધુ હોવા છતાં 45થી વધુ પોઇન્ટ ફાળવવામાં આવતા નથી, જેના કારણે રાત્રિ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊભા થાય છે.

આવનારા દિવસોમાં શિયાળાની ઋતુમાં રાત્રિના સમયે લોકો મીઠી નિંદરમાં હોય છે ત્યારે તસ્કરો તેનો લાભ ઉઠાવી શકે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે. તેથી જંબુસર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા, પોલીસની ગસ્ત સઘન બનાવવા, હોમગાર્ડના વધુ પોઇન્ટ ફાળવવા અને સીસીટીવીના આધારે તસ્કરોને ઝડપી પાડવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ ઉઠી છે.

હવે જોવાનું એ રહ્યું કે જંબુસર પોલીસ તસ્કરોના વધતા તરખાટને ડામવા અને લાંબા સમયથી વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા ક્યારે કડક કાર્યવાહી કરે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online