નવું વર્ષ 2026 સામાન્ય માણસ માટે અનેક આર્થિક રાહતો લઈને આવી રહ્યું છે. નોકરિયાત વર્ગ માટે પગારમાં વધારો, નિવૃત્ત લોકો માટે પેન્શનમાં સુધારો, ઘરેલુ ગેસ અને CNGના ભાવમાં ઘટાડો તેમજ ટેક્સમાં મોટી છૂટ જેવી મહત્વની જાહેરાતો થવાની શક્યતા છે. સરકારના નીતિગત નિર્ણયો અને નિયમોમાં ફેરફારના કારણે આવનાર વર્ષમાં કુલ 7 મોટા બદલાવ જોવા મળશે.
1) 8મું પગાર પંચ: પગાર અને પેન્શનમાં વધારો
કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચને મંજૂરી આપવામાં આવી છે. જો તે જાન્યુઆરી 2026થી અમલમાં આવે, તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર, DA અને અન્ય ભથ્થાંમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અંદાજ મુજબ હાલ ₹35,000 જેટલો મૂળ પગાર 8મા પંચ બાદ ₹1 લાખથી વધુ પહોંચી શકે છે.
2) CNG અને PNG સસ્તાં થશે
PNGRB દ્વારા ગેસ ટ્રાન્સપોર્ટેશન ચાર્જ ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. 1 જાન્યુઆરી 2026થી CNG અને ઘરેલુ પાઇપ્ડ નેચરલ ગેસના ભાવમાં પ્રતિ યુનિટ ₹2થી ₹3 સુધી ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી સામાન્ય લોકોના ખર્ચમાં રાહત મળશે.
3) ₹12 લાખ સુધીની આવક પર ટેક્સ નહીં
ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ હવે વાર્ષિક ₹12 લાખ સુધીની આવક સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે. નોકરિયાત વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ મર્યાદા ₹12.75 લાખ સુધી પહોંચી શકે છે. અગાઉ આ છૂટ માત્ર ₹7 લાખ સુધી જ હતી.
4) સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજમાં ઘટાડાની શક્યતા
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ PPF, NSC અને અન્ય સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજદર ઘટી શકે છે. 31 ડિસેમ્બર પહેલાં આ અંગે નિર્ણય લેવાઈ શકે છે.
5) કાર ખરીદવી મોંઘી પડી શકે
2026ની શરૂઆતથી Maruti, Tata, MG, Hyundai સહિત ઘણી કંપનીઓએ કારની કિંમતોમાં 2થી 3 ટકાનો વધારો કરવાની તૈયારી દર્શાવી છે. લક્ઝરી કારોમાં પણ ભાવવધારો થવાની શક્યતા છે.
6) રેલવે ટિકિટ માટે આધાર ફરજિયાત
12 જાન્યુઆરી 2026થી IRCTC પર રિઝર્વેશનના પ્રથમ દિવસે ટિકિટ બુક કરવા આધાર લિંક કરેલું એકાઉન્ટ ફરજિયાત રહેશે. આ નિયમ ફેક એકાઉન્ટ્સ અને બ્લેક માર્કેટિંગ રોકવા માટે લાગુ કરાશે.
7) નવો ઇન્કમટેક્સ એક્ટ લાગુ થશે
1 એપ્રિલ 2026થી ઇન્કમટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે, જે 1961ના જૂના કાયદાને બદલે આવશે. નવો કાયદો સરળ ભાષા, સ્પષ્ટ નિયમો અને ડિજિટલ પ્રોસેસ સાથે કરદાતાઓ માટે વધુ અનુકૂળ બનશે.
સામાન્ય માણસને ફાયદો શું?
- ITR ભરવું સરળ બનશે
- ટેક્સ રિફંડ ઝડપી મળશે
- ભ્રષ્ટાચાર ઘટશે
- આવક અને કપાત અંગે સ્પષ્ટતા આવશે

