સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા અતિ મહત્વના નેશનલ હાઈવે-64ની બિસ્માર સ્થિતિ સામે અંતે તંત્ર જાગ્યું છે. આમોદ ચોકડી નજીકના માર્ગ પર મોટા ખાડા, તૂટેલી સપાટી અને ઉડતી ધૂળના કારણે વાહનચાલકો તેમજ સ્થાનિક નાગરિકો લાંબા સમયથી મુશ્કેલી ભોગવી રહ્યા હતા.
આ મુદ્દે બે દિવસ અગાઉ આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસે તંત્ર અને સરકાર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો કર્યા હતા અને જનતાના આરોગ્ય તથા સુરક્ષાના પ્રશ્નને લઈને આંદોલનાત્મક અભિગમ અપનાવ્યો હતો. વિરોધ દરમિયાન સ્થાનિક ધારાસભ્યને જાતે સ્થળ પર આવી સ્થિતિ નિહાળવા ખુલ્લો પડકાર પણ આપવામાં આવ્યો હતો.
વિરોધ પક્ષના આક્રમક વલણ અને વધતા જાહેર દબાણને પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ ખાડા પૂરવાની અને ધૂળના પ્રમાણને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરાતા વાહનચાલકો અને રાહદારીઓને આંશિક રાહત મળી છે.
કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જો તંત્રએ સમયસર જનતાની ફરિયાદોને ગંભીરતાથી લીધી હોત, તો આ સ્થિતિ ઊભી ન થાત. બીજી તરફ સ્થાનિક નાગરિકો પણ માંગ કરી રહ્યા છે કે આ કામગીરી માત્ર તાત્કાલિક દેખાવ પૂરતી ન રહી, પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં અકસ્માતો અને આરોગ્ય સંબંધિત જોખમો ટાળી શકાય.

