આમોદ | ભરૂચ:
આમોદ નગરપાલિકાની વર્તમાન ટર્મ પૂર્ણ થવા છતાં નિયમ મુજબ સામાન્ય સભા ન બોલાવાતા નગરજનોમાં અસંતોષ અને રોષની લાગણી જોવા મળી રહી છે. આ ઘટનાને લઈને સ્થાનિક સ્તરે લોકશાહી મૂલ્યોના હનન અંગે ગંભીર ચર્ચાઓ ઊઠી છે.
મળતી માહિતી મુજબ ભાજપ શાસિત આમોદ નગરપાલિકામાં સામાન્ય સભા બોલાવ્યા વિના જ ટર્મ પૂર્ણ કરવામાં આવી છે, જે નગરપાલિકા અધિનિયમોની જોગવાઈઓ સામે પ્રશ્નો ઊભા કરે છે. નગરપાલિકા કાયદા મુજબ વર્ષ દરમિયાન ઓછામાં ઓછા ચાર સામાન્ય સભા યોજવી ફરજિયાત હોય છે, જેમાં ત્રિમાસિક હિસાબો અને વિકાસકાર્યો અંગે ચર્ચા તથા મંજૂરી લેવામાં આવતી હોય છે.
અત્રે નોંધનીય છે કે 10 ફેબ્રુઆરી 2026ના રોજ પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, પરંતુ તેમની તબિયત નાદુરસ્ત હોવાને કારણે સભા મુલતવી રાખવામાં આવી હતી. ત્યારબાદ સભા બોલાવવાની બાહેંધરી આપવામાં આવી હોવા છતાં, ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી સામાન્ય સભા યોજાઈ નથી.
સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે સામાન્ય સભા વિના ત્રિમાસિક હિસાબોની મંજૂરી કર્યા વગર ખર્ચ કરવામાં આવ્યા હોઈ શકે છે, જે પારદર્શિતાને લઈને સવાલો ઊભા કરે છે. સામાન્ય સભા નગરપાલિકાનું મહત્વપૂર્ણ મંચ છે, જ્યાં નાગરિક સુવિધાઓ, વિકાસ કામો અને બજેટ સંબંધિત નિર્ણયો લેવાતા હોય છે.
આ પરિસ્થિતિને લઈને નગરના રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. લોકોનું માનવું છે કે જો આ રીતે નગરપાલિકા અધિનિયમોની અવગણના કરવામાં આવશે અને જવાબદાર તંત્ર મૌન રહેશે, તો ભવિષ્યમાં ખતરનાક પરંપરા ઊભી થઈ શકે છે.
સ્થાનિક નાગરિકો અને આગેવાનો દ્વારા માંગ ઉઠી રહી છે કે આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની તપાસ કરવામાં આવે અને જો કોઈ નિયમોનો ભંગ થયો હોય તો જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
