અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સ માટે ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળની વહીવટીતંત્રએ એક મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા શરૂ કરાયેલા ‘સેલ્ફ-ડિપોર્ટેશન’ કાર્યક્રમ હેઠળ હવે સ્વૈચ્છાએ દેશ છોડનારા લોકોને અગાઉની તુલનામાં ત્રણ ગણી નાણાકીય સહાય આપવામાં આવશે.
નવા નિયમ મુજબ, જો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ 31 ડિસેમ્બર સુધી CBP One એપ્લિકેશન મારફતે નોંધણી કરાવે છે, તો તેમને 3,000 ડોલરની રોકડ સહાય સાથે સરકાર દ્વારા મફત હવાઈ મુસાફરીની સુવિધા પણ આપવામાં આવશે. અગાઉ આ રકમ માત્ર 1,000 ડોલર હતી.
DHSના જણાવ્યા અનુસાર, આ યોજના મર્યાદિત સમય માટે લાગુ રહેશે અને તેનો હેતુ બળજબરીથી દેશનિકાલ કરતાં સ્વૈચ્છિક પરત ફરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉપરાંત, વિઝા ઓવરસ્ટે સંબંધિત નાગરિક દંડમાંથી પણ રાહત મળશે.
વિભાગે ખુલાસો કર્યો છે કે બળજબરીથી એક ઇમિગ્રન્ટને દેશનિકાલ કરવા માટે સરેરાશ 17,000 ડોલરથી વધુ ખર્ચ થાય છે, જ્યારે સેલ્ફ-ડિપોર્ટેશન મોડલ દ્વારા આ ખર્ચમાં આશરે 70 ટકા સુધી ઘટાડો શક્ય છે. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમના જણાવ્યા મુજબ, આ યોજના કરદાતાઓના પૈસા બચાવવાની દિશામાં અસરકારક સાબિત થશે.
જોકે, ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે જો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આ વિકલ્પ અપનાવશે નહીં, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેમાં ધરપકડ, બળજબરીથી ડિપોર્ટેશન અને અમેરિકા પ્રવેશ પર કાયમી પ્રતિબંધનો સમાવેશ થાય છે.
DHSના આંકડા મુજબ જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં આશરે 19 લાખ લોકો સ્વૈચ્છાએ અમેરિકા છોડી ચૂક્યા છે. સરકારનું કહેવું છે કે 2026માં ઇમિગ્રેશન મુદ્દે વધુ કડક અભિયાન શરૂ કરવાની પણ તૈયારી ચાલી રહી છે.
