ઉચ્છદ પ્રાથમિક મિશ્રશાળામાં પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર લેખન દ્વારા રાષ્ટ્રભાવનાનો સંદેશ

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામની પ્રાથમિક મિશ્રશાળા ખાતે જૂની પત્રવ્યવહાર પરંપરાને નવી પેઢી સાથે જોડતી અનોખી પ્રવૃત્તિ યોજાઈ હતી. આજના ડિજિટલ યુગમાં પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર જેવી ઐતિહાસિક ધરોહરને જીવંત રાખવાના હેતુથી શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્ર લખવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાના બાળકો તેમજ શિક્ષકોએ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના મંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજાને પોસ્ટકાર્ડ તેમજ અંતરદેશીય પત્ર લખીને પોતાના વિચારો, લાગણીઓ અને સંકલ્પો રજૂ કર્યા હતા. આ માધ્યમથી બાળકોએ શિક્ષણ, સંસ્કાર, દેશપ્રેમ અને રાષ્ટ્રનિર્માણ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

સેવા સંકલ્પ અભિયાન, વિકસિત ભારત–2047 તથા સેવા અને સુશાસનના ભાવને આત્મસાત્ કરતાં યોજાયેલી આ પ્રવૃત્તિમાં બાળકોએ પોસ્ટકાર્ડ અને પત્રના માધ્યમથી સંવાદની પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રવૃત્તિથી બાળકોમાં સર્જનાત્મકતા, લેખનકૌશલ્ય, રાષ્ટ્રભાવના અને આપણી ઐતિહાસિક પરંપરાઓ પ્રત્યે ગૌરવની ભાવના કેળવાઈ હતી. શિક્ષકગણ દ્વારા બાળકોને પોસ્ટકાર્ડ અને અંતરદેશીય પત્રના ઐતિહાસિક મહત્વ તેમજ સંદેશાવ્યવહારના બદલાતા સ્વરૂપ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

શાળાના શિક્ષકગણ તથા ઉત્સાહી વિદ્યાર્થીઓની આ પહેલને સરાહનીય ગણાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

“પત્રના પાને સંકલ્પ લખાયો, વિકાસનું સ્વપ્ન સજાવ્યું;
પોસ્ટકાર્ડની યાદોને ફરી જીવંત કરી, ભારતના ગૌરવને વધાર્યું.”

પ્રાથમિક મિશ્રશાળા-ઉચ્છદ, તા. જંબુસર, જી. ભરૂચ દ્વારા જૂની પરંપરાને નવી પેઢી સાથે જોડીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ સુંદર પહેલ કરવામાં આવી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online