જંબુસરમાં કાછિયા પટેલ સમાજ દ્વારા ઝુલણી એકાદશીની ભવ્ય ઉજવણી

નકલનદેવ ભગવાન અને લાલજી મહારાજની શોભાયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા

ઝુલણી એકાદશીની પરંપરા મુજબ નાગેશ્વર તળાવ ખાતે ભગવાનને જળવિહાર કરવામાં આવ્યો

જંબુસર : જંબુસર સમસ્ત કાછિયા પટેલ સમાજ દ્વારા પરંપરાગત ધાર્મિક ભાવના અને ભક્તિભાવ સાથે ઝુલણી એકાદશી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં સમાજના ભાઈ-બહેનો, યુવાનો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા.

પર્વ નિમિત્તે કાળકા માતાના મંદિર પાછળ આવેલા નાગેશ્વર તળાવ ખાતે નકલનદેવ ભગવાન અને લાલજી મહારાજને ઝુલાવવામાં આવ્યા હતા. ધાર્મિક વિધિ બાદ ભગવાનને પાલખીમાં બિરાજમાન કરી મઢીવાળી ખડકી, ગણેશ ચોક ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

ડીજેના તાલે ભક્તિમય વાતાવરણ વચ્ચે નીકળેલી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગમાં ઠેરઠેર શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાનના દર્શન કરી પુષ્પવર્ષા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ભગવાનના જયઘોષથી સમગ્ર જંબુસર નગર ભક્તિમય બની ગયું હતું.

શોભાયાત્રા મઢીવાળી ખડકી, ગણેશ ચોક થી નીકળી શહેરના રાજમાર્ગો પર ફરી ગામવાડી વિસ્તારમાં પહોંચી હતી શોભાયાત્રામાં પરંપરાગત ભક્તિગીતો, ગરબા અને જયઘોષથી ધાર્મિક માહોલ સર્જાયો હતો.

નાગેશ્વર તળાવે જળવિહાર બાદ મહાઆરતી
ઝુલણી એકાદશીની પરંપરા મુજબ નાગેશ્વર તળાવ ખાતે ભગવાનને જળવિહાર કરાવવામાં આવ્યો હતો. ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના બાદ મહાઆરતી કરવામાં આવી હતી. આ વેળાએ ધારાસભ્યશ્રી ડી. કે સ્વામી સહિત મહાનુભાવો, સમાજના આગેવાનો,મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે પરંપરા મુજબ કાકડી અને જાંબુનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.

મહાપ્રસાદમાં સમાજબંધુઓ ઉમટ્યા
ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શ્રી કાછિયા પટેલ ત્રણ પંચની વાડી, કાવા ભાગોળ ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજબંધુઓએ ઉપસ્થિત રહી મહાપ્રસાદનો લાભ લીધો હતો.

સમગ્ર આયોજન દરમિયાન સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી.

કાછિયા પટેલ સમાજ દ્વારા વર્ષોથી જળવાઈ રહેલી ધાર્મિક પરંપરાને આગળ ધપાવતી આ ઉજવણીમાં ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સંસ્કૃતિના દર્શન થયા હતા. સમગ્ર કાર્યક્રમને લઈને સમાજમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ધાર્મિક પરંપરા મુજબ નકલનદેવ ભગવાન તથા લાલજી મહારાજ ત્રણ દિવસ સુધી જ્ઞાતિજનોના ઘરે પધરામણી કરશે. આજે ભગવાનનું રાત્રિ રોકાણ સમસ્ત ગામવાડી ખાતે થશે. ત્યારબાદ બીજા દિવસે દાજીબાવાના ટેકરે રહેતા શ્રી વિજયભાઈ રમણભાઈ પટેલના નિવાસસ્થાને તથા ત્રીજા દિવસે લીલોતરી બજાર ખાતે રહેતા શ્રી મહેશભાઈ રમણભાઈ પટેલ (એડવોકેટ)ના નિવાસસ્થાને ભગવાનનું રાત્રિ રોકાણ રહેશે. આ ત્રણ દિવસ દરમિયાન જ્ઞાતિજનોના ઘરે ભગવાનની પધરામણી થતાં સમગ્ર સમાજમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online