જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વીર નર્મદ જન્મજયંતીની ઉજવણી

જંબુસર: જંબુસર સ્થિત જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાતી સાહિત્યના અગ્રણી કવિ, સમાજ સુધારક અને ગુજરાતી ભાષાના પ્રખર સેવક વીર નર્મદની જન્મજયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વીર નર્મદના જીવન, સાહિત્ય સર્જન, સમાજ સુધારણાના વિચારો તથા ગુજરાતી ભાષા અને સાહિત્યમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

કોલેજના ઈ.ચા. આચાર્ય ડૉ. કે. એમ. પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રારંભે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. કે. એમ. પ્રજાપતિ તથા મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો વિધિવત્ પ્રારંભ કરાયો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડૉ. મહેન્દ્ર આર. પટેલએ સમાજ સુધારક, પ્રથમ કોશકાર અને ગદ્યનિર્માતા તરીકે વીર નર્મદના વ્યક્તિત્વના વિવિધ પાસાઓનો પરિચય કરાવ્યો હતો. તેમણે વીર નર્મદે ગુજરાતી ભાષા અને સાહિત્યને આપેલા યોગદાન સાથે તેમના પ્રગતિશીલ વિચારો અને સમાજ સુધારણા માટે કરેલા પ્રયાસોની વિસ્તૃત ચર્ચા કરી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. ડી. આર. પટેલએ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી હતી. ત્યારબાદ પ્રા. સબનમ દીવાન દ્વારા કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનોને વીર નર્મદના સાહિત્યિક અને સામાજિક જીવન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

નિબંધ સ્પર્ધાનું આયોજન

વીર નર્મદની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વીર નર્મદના જીવન અને વિચારોને પોતાના નિબંધોમાં રજૂ કર્યા હતા.

નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ગના ફાતિમા (એમ.એ. સેમ-૧), બીજા ક્રમે પડાણા સેહબાજ (એમ.એ. સેમ-૧), ત્રીજા ક્રમે રાહુલજી પ્રતિક્ષા (એસ.વાય.બી.એ.) અને ચોથા ક્રમે સંધ્યા (ટી.વાય.બી.કોમ.) વિજેતા બન્યા હતા.

વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના ઈ.ચા. આચાર્ય ડૉ. કે. એમ. પ્રજાપતિ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા તેમના ઉજ્જવળ શૈક્ષણિક અને સાહિત્યિક ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે મુલાકાતી અધ્યાપક પ્રા. રમેશભાઈ પરમાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલ સમગ્ર કાર્યક્રમ વીર નર્મદના સાહિત્ય અને વિચારોને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online