જંબુસર નગરપાલિકામાં ‘વહીવટ’ કોનો? ચૂંટાયેલી મહિલા સદસ્યો કે તેમના પતિદેવો? બોટાદ જેવી કાર્યવાહીની માગ

jambusar nagar palika jn express

બોટાદ બાદ હવે જંબુસરમાં ‘પતિરાજ’ સામે રોષ: શું નગરપાલિકા ‘નો એન્ટ્રી’નું બોર્ડ લગાવવાની હિંમત કરશે?

જંબુસર: રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા સશક્તિકરણ માટે સરકાર પ્રયાસ કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં બોટાદ નગરપાલિકાએ એક ઐતિહાસિક નિર્ણય લઈ મહિલા સભ્યોના પતિઓના પાલિકામાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, ત્યારે હવે જંબુસર નગરપાલિકામાં પણ આવા જ ‘પતિરાજ’ સામે ગણગણાટ શરૂ થયો છે.

શું છે બોટાદ મોડલ?
થોડા દિવસો પહેલા જ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરે એક કડક પરિપત્ર બહાર પાડીને પાલિકા ભવનમાં નોટિસ લગાવી હતી. જેમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, “ચૂંટાયેલી મહિલા સદસ્યોના પતિ કે સગાં-સંબંધીઓએ વહીવટી કામમાં દખલ કરવી નહીં. જો કોઈ પતિ સત્તાવાર ખુરશી પર બેસેલા કે કામમાં દખલ કરતા જણાશે, તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” બોટાદના આ નિર્ણયની રાજ્યભરમાં પ્રશંસા થઈ રહી છે.

જંબુસરમાં પણ ‘પતિઓ’ સક્રિય હોવાની લોકચર્ચા
બોટાદના આ કડક પગલાં બાદ જંબુસરના જાગૃત નાગરિકો અને વિપક્ષી નેતાઓ દ્વારા અહીંની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પાલિકા કચેરીના સૂત્રો અને લોકમુખે ચર્ચાતી વિગતો મુજબ, જંબુસર નગરપાલિકામાં પણ કેટલીક મહિલા સદસ્યોના સ્થાને તેમના પતિદેવો જ ‘ઓલ-ઇન-ઓલ’ બનીને વહીવટ કરતા હોવાના આક્ષેપો છે. અરજદારો જ્યારે પોતાના વોર્ડના કામ માટે જાય છે, ત્યારે ઘણીવાર ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના બદલે તેમના પતિ સાથે જ વહીવટી ચર્ચા કરવી પડતી હોવાનો ગણગણાટ છે.

શું કહે છે સરકારી નિયમ?
ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને પંચાયતી રાજના નિયમો મુજબ, પ્રજા દ્વારા જે પ્રતિનિધિને ચૂંટવામાં આવ્યા હોય, તેમણે જ ફરજ બજાવવાની હોય છે. ‘પ્રોક્સી’ એટલે કે પ્રતિનિધિના બદલે અન્ય વ્યક્તિ (પતિ કે પુત્ર) સત્તાવાર બેઠકોમાં ભાગ લેવો કે સરકારી દફતરે બેસવું તે ગેરકાયદેસર છે. સરકારના પંચાયત વિભાગ દ્વારા અગાઉ પણ ‘સરપંચ પતિ’ કે ‘પતિરાજ’ પ્રથા નાબૂદ કરવા પરિપત્રો કરવામાં આવ્યા છે.

હવે સવાલ એ છે કે…
બોટાદ નગરપાલિકાએ તો હિંમત દાખવીને ‘નો એન્ટ્રી’નું બોર્ડ મારી દીધું છે. શું જંબુસર નગરપાલિકાના સત્તાધીશો અને ચીફ ઓફિસર પણ આવી જ તટસ્થતા દાખવીને પાલિકાના વહીવટને ‘પતિરાજ’ મુક્ત કરાવશે? કે પછી આંખ આડા કાન કરશે? તે જોવું રહ્યું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online