જંબુસર: જંબુસર નગરમાં રોડ-રસ્તા, ખુલ્લી ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓના અભાવે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે.
જંબુસરના વોર્ડ નંબર-4માં આવેલા ઈસ્માઈલનગર સોસાયટીમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તાની બદતર હાલતનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. એક વૃદ્ધ વ્યક્તિ અચાનક બીમાર થતાં પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જોકે, સોસાયટીમાં કાદવ-કિચડ અને ઉબડખાબડ રસ્તાના કારણે 108 એમ્બ્યુલન્સ દર્દીના ઘર સુધી પહોંચી શકી નહોતી. અંતે સ્થાનિકોએ વૃદ્ધ વ્યક્તિને ખાટલા પર સુવડાવી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં મદદ કરવી પડી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદની સિઝનમાં સોસાયટીમાં રસ્તાની હાલત વધુ કથળી જાય છે. રસ્તા પર કાદવ-કિચડ અને પાણી ભરાઈ રહેતાં પગપાળા ચાલવું પણ મુશ્કેલ બને છે. વાહનો પણ સોસાયટીમાં અંદર સુધી જઈ શકતા નથી. આ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
અંડરગ્રાઉન્ડ ગટરના કામથી મુશ્કેલીમાં વધારો
હાલ જંબુસર નગરમાં ફેઝ-2 અંતર્ગત અંડરગ્રાઉન્ડ ગટરનું કામ ચાલી રહ્યું છે. પાઇપલાઇન નાખવા માટે વિવિધ વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવ્યા છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ પાઇપલાઇન નાખ્યા બાદ ખાડાઓનું યોગ્ય રીતે પુરાણ અને રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. પરિણામે નગરના અનેક વિસ્તારોમાં કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
અનેક સ્થળોએ વાહનો કાદવમાં ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે, જ્યારે સોસાયટીમાં અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને કામ દરમિયાન સ્થાનિક નગરપાલિકા સત્તાધીશોને પૂરતા વિશ્વાસમાં લેવામાં આવતા નથી.
સોસાયટી માલિકો સામે પણ નગરપાલિકાના સત્તાધીશોની નારાજગી
આ મામલે નગરપાલિકાના સત્તાધીશોનું કહેવું છે કે સોસાયટી માટે મંજૂરીની પ્રક્રિયા દરમિયાન સોસાયટી માલિકોને રોડ-રસ્તા, પીવાના પાણીની લાઇન, સ્ટ્રીટ લાઇટ અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની શરત હોય છે.
સત્તાધીશોના જણાવ્યા મુજબ અનેક સોસાયટીના માલિકો મકાનો બનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે, પરંતુ સોસાયટીમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં નિષ્ફળ રહે છે. મોટાભાગની સોસાયટીઓમાં મુખ્ય રસ્તાથી સોસાયટી સુધીનો પાકો રસ્તો, સ્ટ્રીટ લાઇટ અને પાણીની પાઇપલાઇન જેવી સુવિધાઓનો અભાવ જોવા મળે છે.
નગરપાલિકા સત્તાધીશોના જણાવ્યા મુજબ સોસાયટી માલિકો અથવા સંબંધિત કોન્ટ્રાક્ટરો દ્વારા આ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની હોય છે, પરંતુ ઘણી જગ્યાએ તેનો અમલ થતો નથી. જેના કારણે નગરની અનેક સોસાયટીઓમાં સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
તાત્કાલિક યોગ્ય કામગીરી કરી રસ્તા, ગટર, પાણી અને સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી જંબુસરના નગરજનો દ્વારા ઉગ્ર લોકમાગ ઉઠી છે

