જંબુસર: જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે શિક્ષકદિનની ઉજવણી નિમિત્તે અનોખા અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડો. કિશોર એમ. પ્રજાપતિ સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષકની ભૂમિકા, જવાબદારી તથા શિક્ષણના મહત્વની અનુભૂતિ કરાવવાનો હતો.
કાર્યક્રમના પ્રારંભે ધીરુભાઈ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે શિક્ષકદિનના મહત્વ અંગે સમજ આપી શિક્ષક તરીકેની જવાબદારી, શિસ્ત, જ્ઞાનનું મહત્વ તેમજ સમાજના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા.
કાર્યક્રમની વિશેષતા એ રહી કે કોલેજના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા અદા કરી હતી. વિવિધ વર્ગોમાં જઈ વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે અલગ-અલગ વિષયો પર લેક્ચર લીધા હતા. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને વર્ગખંડમાં શિક્ષક તરીકે ઊભા રહીને વિદ્યાર્થીઓને સમજાવવાની, વર્ગનું સંચાલન કરવાની તેમજ શિક્ષણ આપવાની વાસ્તવિક અનુભૂતિ પ્રાપ્ત થઈ હતી.


આ અનુભવ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે પણ ઉપયોગી સાબિત થયો હતો. લેક્ચર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને શિક્ષકની ભૂમિકા ભજવતી વખતે થયેલી અનુભૂતિ, પડકારો તથા શિક્ષકના કાર્ય પ્રત્યે વધેલા આદર અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને સુંદર સંચાલન ડો. એસ. એલ. ઠાકોર સર તથા ડો. પ્રતિક આર. પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ ડો. પ્રતિક આર. પ્રજાપતિ દ્વારા આચાર્યશ્રી, પ્રાધ્યાપકગણ, કર્મચારીઓ તેમજ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ રીતે જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે યોજાયેલ ‘વિદ્યાર્થીમાંથી શિક્ષક બનવાનો અનુભવ’ કાર્યક્રમ શિક્ષકદિનની ઉજવણીને યાદગાર, જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી બનાવનાર પહેલ બની રહ્યો હતો. કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદર, આત્મવિશ્વાસ, નેતૃત્વક્ષમતા અને જવાબદારીની ભાવનાનો વિકાસ થયો હતો.

