ગાંધીનગરમાં રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિની બેઠક; 289 અરજીઓમાંથી વર્ષવાર વિજેતાઓની પસંદગી
ગાંધીનગર: દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગાર ક્ષેત્રે પ્રોત્સાહિત કરી તેમને આત્મનિર્ભર બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક યોજના’ હેઠળ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ‘રાજ્ય દિવ્યાંગ પારિતોષિક પસંદગી સમિતિ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વર્ષ 2022, 2023 અને 2024 માટે પ્રાપ્ત થયેલી કુલ 289 અરજીઓની વિગતવાર ચકાસણી બાદ પાત્ર ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
3 કેટેગરીમાં 32 પારિતોષિક
સમિતિ દ્વારા કુલ ત્રણ કેટેગરીમાં 32 પારિતોષિકોની વર્ષવાર પસંદગી કરવામાં આવી છે. જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ માટે કુલ 8 પારિતોષિક, રોજગાર અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગજનો માટે 23 પારિતોષિક અને પ્લેસમેન્ટ ઓફિસર માટે 1 પારિતોષિકનો સમાવેશ થાય છે.
આ યોજનાનો ઉદ્દેશ દિવ્યાંગ વ્યક્તિઓને માત્ર સહાય પૂરી પાડવાનો નહીં, પરંતુ તેમની ક્ષમતા, પ્રતિભા અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાનો છે.
દિવ્યાંગ કર્મચારીઓ અને સહયોગી નોકરીદાતાઓનું સન્માન
રાજ્ય કક્ષાના આ પારિતોષિકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નોકરીદાતાઓને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. જ્યારે રોજગાર કે સ્વરોજગાર ક્ષેત્રે આગળ વધતા પસંદગી પામેલા દિવ્યાંગજનોને રૂ. 10,000નું પ્રોત્સાહન અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
આ ઉપરાંત દિવ્યાંગજનોને રોજગારની તકો ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્લેસમેન્ટ ઓફિસરને પણ શીલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે દિવ્યાંગજનોને રોજગાર અને સ્વરોજગારની તકો સાથે જોડીને તેમને વધુ આત્મનિર્ભર બનાવવા સરકાર સતત પ્રયાસ કરી રહી છે. રાજ્ય કક્ષાના આ પ્રકારના પારિતોષિકો દિવ્યાંગજનો તેમજ તેમને રોજગારીની તક આપતા નોકરીદાતાઓ માટે પ્રોત્સાહનરૂપ સાબિત થશે.
બેઠકમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરા, શ્રમ આયુક્ત કે.ડી. લાખાણી, રોજગાર અને તાલીમ નિયામક એ.કે. વસ્તાણી સહિત સરકારી તથા બિનસરકારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
દિવ્યાંગ વ્યક્તિઓને ‘સહાનુભૂતિ’ નહીં પરંતુ ‘સમાન તક અને સન્માન’ સાથે આગળ વધારવાનો આ પ્રયાસ રાજ્યમાં સમાવેશી વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે.

