‘હર ઘર તિરંગા’ના સંદેશ સાથે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપ્રેમ અને સ્વચ્છતાની જનજાગૃતિ ફેલાવી
જંબુસર: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે જનતા કેળવણી મંડળ સંચાલિત જે. એમ. શાહ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, જંબુસર ખાતે મંગળવારે ભવ્ય તિરંગા યાત્રા તથા ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોલેજ કેમ્પસથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા જંબુસર નગરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. યાત્રામાં કોલેજના પ્રાધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ તિરંગો લઈને દેશભક્તિના નારા લગાવતા સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી રંગી દીધું હતું.
તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ‘સ્વચ્છ ભારત–સ્વસ્થ ભારત’, રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને નાગરિક જવાબદારી જેવા સંદેશાઓ આપતાં બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. દેશપ્રેમ સાથે સ્વચ્છતા અને સામાજિક જવાબદારી અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

કોલેજના આચાર્ય ડૉ. કિશોર પ્રજાપતિ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. તેમણે પ્રાધ્યાપકો, સ્ટાફ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા તથા સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો.
સમગ્ર યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ અને ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. કોલેજ પરિવાર દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રા થકી ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવનાને ઉજાગર કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને જનજાગૃતિ અને રાષ્ટ્રસેવાના સંદેશ સાથે અર્થપૂર્ણ બનાવવામાં આવી હતી.

