જંબુસર/આમોદ:
રમજાન માસ પૂર્ણ થતા જંબુસર અને આમોદ વિસ્તારમાં ઈદ-ઉલ-ફિતરની ઉજવણી ભાઈચારા અને શાંતિમય માહોલમાં કરવામાં આવી હતી. વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ નવા વસ્ત્રો ધારણ કરી ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરી હતી.
નમાજ બાદ સૌએ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” કહી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ પોતાના સ્વજનોને યાદ કરતા મુસ્લિમ સમાજના લોકો કબ્રસ્તાન જઈ દુઆ કરી હતી.
જંબુસરના ઢોળાવ ફળિયા વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ “રજા એ મુસ્તુફા યંગ કમિટી” દ્વારા કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો ઈદ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો એક મંચ પર આવ્યા હતા.
આ પ્રસંગે માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રાણા, ડીવાયએસપી પી.એલ. ચૌધરી, મામલતદાર તેમજ વેપારી આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરી તેમને ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ અવસરે સૌએ દેશ અને વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાનો અનવર સૈયદ, અનીશ મલેક અને આરિફ મલેક સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી માત્ર તહેવાર પૂરતી સીમિત ન રહી, પરંતુ સમાજમાં એકતા, સહઅસ્તિત્વ અને પરસ્પર સન્માનનો મજબૂત સંદેશ આપી ગઈ.

