આમોદ:
આમોદ શહેરમાંથી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે, જેમાં નાની ઉંમરે મોટી સંકલ્પશક્તિનો અનોખો દાખલો જોવા મળ્યો છે. સુકૂન સોસાયટી વિસ્તારમાં રહેતી ધોરણ ૨માં અભ્યાસ કરતી આયાત ઇમ્તિયાઝ મુલતાનીએ પવિત્ર રમઝાન માસ દરમિયાન તમામ રોજા પૂર્ણ કરીને અડગ ઈમાન અને શ્રદ્ધાનો પરિચય આપ્યો છે.
ખાસ વાત એ છે કે નાની ઉંમર હોવા છતાં આયાતે એકપણ દિવસ ચૂક્યા વિના રોજા રાખ્યા. ગરમીના દિવસોમાં જ્યાં મોટા લોકો માટે પણ રોજા રાખવા પડકારરૂપ બને છે, ત્યાં આ નાનકડી દીકરીએ વહેલી સવારથી સાંજ સુધી અન્ન-જળનો ત્યાગ કરીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે ઈબાદત કરી હતી.
ઈફ્તાર સમયે આયાતે દેશ અને વિશ્વમાં શાંતિ અને સુખાકારી માટે દિલથી દુઆઓ માંગી હતી. તેની આ સિદ્ધિથી પરિવારજનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. પરિવાર દ્વારા ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી તેની ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.

પરિવારજનોનું કહેવું છે કે આટલી નાની ઉંમરે આવું મનોબળ, નિયમિતતા અને ઈમાન દરેક માટે પ્રેરણારૂપ છે. આયાતની આ સિદ્ધિ માત્ર તેના પરિવાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા બની છે.
આ ઘટના એ સ્પષ્ટ સંદેશ આપે છે કે સાચી શ્રદ્ધા અને સંકલ્પ માટે ઉંમર ક્યારેય અડચણ નથી બનતી.

