જંબુસર:
જંબુસર રેલવે ફાટક નજીક આવેલી સ્વામિનારાયણ સોસાયટી આજે મૂળભૂત સુવિધાઓના અભાવે ગંભીર સમસ્યાઓમાં ઘેરાઈ ગઈ છે. આશરે 500થી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં લોકો રોજિંદા જીવન માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્રની બેદરકારી સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
સોસાયટીમાં 45 વર્ષ જૂની ભૂગર્ભ ગટર વ્યવસ્થા વસ્તી વધતા સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ગઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આશરે 32.75 કરોડના ખર્ચે નવી ભૂગર્ભ ગટર યોજના શરૂ કરવામાં આવી છે. જોકે, કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે નાની સાઇઝની પાઇપો નાખવામાં આવી રહી છે, જોડાણો યોગ્ય રીતે સીલ કરવામાં આવતાં નથી અને ખોદેલા ખાડાઓ પણ યોગ્ય રીતે ભરવામાં આવતા નથી. જેના કારણે ભવિષ્યમાં ફરી સમસ્યાઓ ઉભી થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આ મુદ્દે વિપક્ષના આગેવાન સાકીર મલેકે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરી છે.
મુખ્ય સમસ્યા તો પીવાના પાણીની છે. ગટર કામ દરમિયાન સોસાયટીની પાણીની લાઇન તૂટી જતા પાણી લીકેજ થવાથી લોકો સુધી પૂરતા દબાણથી પાણી પહોંચતું નથી. ગરમીના સમયમાં લોકો પીવાના પાણી માટે હેરાન થઈ રહ્યા છે. વારંવાર નગરપાલિકામાં રજૂઆત છતાં કોઈ અસરકારક કામગીરી ન થતાં નાગરિકોમાં રોષ વધ્યો છે.
આ ઉપરાંત GEB દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા માટે ખોદાયેલા ખાડાઓ પણ લાંબા સમયથી અધૂરા રાખવામાં આવ્યા છે, જેના કારણે લોકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે. રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટ બંધ હોવાથી વિસ્તાર અંધકારમાં ગરકાવ રહે છે, જેના કારણે મહિલાઓ અને નોકરીયાત લોકો માટે સુરક્ષા સંબંધી ચિંતા ઊભી થઈ છે.
સોસાયટીમાં ગટર ઉભરાવાની સમસ્યા સતત યથાવત છે. ગંદા પાણી અને દુર્ગંધના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી લોકોના આરોગ્ય પર સીધી અસર પડી રહી છે. ગરમીમાં ઘરની બહાર બેસવું પણ મુશ્કેલ બની ગયું છે.
ઉપરાંત, સોસાયટીની અંદર વધતા દબાણોને કારણે રસ્તાઓ સંકુચિત થઈ ગયા છે. પહેલા 9 મીટર પહોળો રસ્તો હવે સાંકડો બની જતા વાહન વ્યવહાર પણ મુશ્કેલ બન્યો છે.
સ્થાનિક નાગરિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ગટર, પાણી, રોડ, લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો કરે. નહિંતર આ સમસ્યાઓ નગરજનો માટે ગંભીર સંકટમાં પરિવર્તિત થઈ શકે છે.

© JN Express. આ સમાચાર અથવા લેખની નકલ કરવા માટે પૂર્વ પરવાનગી જરૂરી છે.
