ભરૂચ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે કાર્યકાળ પૂર્ણ થતાં સંજયસિંહ સિંધાએ સોશિયલ મીડિયા પર એક ભાવુક અને આભારસભર સંદેશ શેર કર્યો છે. પોતાના કાર્યકાળના અંતિમ દિવસે લખાયેલી આ પોસ્ટમાં તેમણે શિક્ષણ ક્ષેત્રમાં મળેલી જવાબદારીને જીવનની ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવી સહયોગ આપનાર દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કર્યો છે.


સંજયસિંહ સિંધાએ પોતાના સંદેશમાં જણાવ્યું કે શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં સેવા આપવાની તક તેમને મળી તે તેમના જીવન માટે એક અમૂલ્ય અનુભવ રહ્યો છે. કાર્યકાળ દરમિયાન જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, જિલ્લા પંચાયતના સભ્યો, જનપ્રતિનિધિઓ તેમજ શિક્ષણપ્રેમી નાગરિકોના સહકારથી અનેક કામગીરી શક્ય બની હોવાનું તેમણે જણાવ્યું.


તેમણે ઉમેર્યું કે પોતાના કાર્યકાળ દરમિયાન શાળાઓમાં મૂળભૂત સુવિધાઓમાં વધારો, પૂરતા ઓરડાઓની વ્યવસ્થા, શિક્ષકોની ભરતી તેમજ દરેક બાળક સુધી શિક્ષણ પહોંચે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા. પડકારો વચ્ચે પણ ટીમવર્ક અને લોકોના વિશ્વાસના બળે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાનું કામ થયું હોવાનું તેમણે જણાવ્યું.


સંજયસિંહ સિંધાએ પોતાના સંદેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે પાર્ટી દ્વારા મૂકવામાં આવેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા અને પોતાના મતવિભાગના ગામોના વિકાસ માટે પણ પ્રયાસો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું.


તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ નિર્ણયથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો સહૃદય ક્ષમાયાચના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું કે પદ બદલાઈ શકે, જવાબદારીઓ બદલાઈ શકે, પરંતુ સમાજ અને શિક્ષણ માટે કાર્ય કરવાની ભાવના ક્યારેય બદલાતી નથી.


પોસ્ટના અંતમાં સંજયસિંહ સિંધાએ જિલ્લા પંચાયતના અધિકારીઓ, શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ, પોતાના મતવિભાગના આગેવાનો, વડીલો, મહિલાઓ અને યુવા મતદારોનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પાર્ટી ભવિષ્યમાં જે પણ જવાબદારી સોંપશે તેને પૂર્ણ સમર્પણથી નિભાવવા માટે તેઓ સદાય તત્પર રહેશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


તેમણે અંતે સમગ્ર જિલ્લાના શિક્ષણ ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

JN EXPRESS ADS

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online