જંબુસર તાલુકાના સારોદ ગામે બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજના પધારણના 83 વર્ષ પૂર્ણ થઈ 84મા વર્ષના આરંભ નિમિત્તે દ્વિદિવસીય 84મો પાટોત્સવ ભાવભીનાં અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારોદ સ્થિત શ્રી રંગ અવધૂત મહારાજના મંદિરમાં વિવિધ વૈદિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટોત્સવની શરૂઆત વહેલી સવારે નગરકીર્તન અને પ્રભાતફેરીથી કરવામાં આવી હતી. ત્યારબાદ મંગળા આરતી, પાંચ જોડાઓ દ્વારા પાદુકા પૂજન, તેમજ વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ-વિધાન સંપન્ન કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિભાવ અને સંસ્કારમય વાતાવરણથી ગુંજતું રહ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક ગ્રામજનોએ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજે આશરે 83 વર્ષ અગાઉ સારોદ ગામે પધારેલા તે સ્મરણિય પ્રસંગોને યાદ કરી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી. મહારાજના જીવન, તેમની સાદગી, તપસ્યા અને ભક્તિમાર્ગે આપેલા માર્ગદર્શન અંગે ભક્તોએ ભાવપૂર્વક ચર્ચા કરી હતી.
પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ અધ્યાત્મ, સેવા અને ત્યાગના પ્રતિક રૂપે ઓળખાતા સંત હતા. તેમણે જીવનભર સદાચાર, ભક્તિ અને માનવ કલ્યાણનો માર્ગ બતાવ્યો. તેમની ઉપદેશવાણી અને સંસ્કાર આજે પણ ભક્તોમાં પ્રેરણારૂપ બની રહ્યા છે. સારોદ ગામ તેમના આધ્યાત્મિક પ્રભાવનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.
પાટોત્સવ પ્રસંગે સારોદ ગામના વતની તથા ભરૂચ જિલ્લા પંચાયત ભાજપ શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, રંગ અવધૂત પરિવારના સભ્યો, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તમામે મળીને મહારાજના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પાટોત્સવને યાદગાર બનાવ્યો હતો.
આ દ્વિદિવસીય ધાર્મિક આયોજનથી સારોદ ગામમાં આધ્યાત્મિક ઉલ્લાસ અને એકતાનો સંદેશ પ્રસરી ગયો હોવાનું જોવા મળ્યું હતું.

