આમોદ તાલુકામાં “એસટી – સલામત સવારી”નો નારો હવે હકીકતમાં ખોખલો સાબિત થતો જોવા મળી રહ્યો છે. આમોદથી ભરૂચ વચ્ચે દોડતી એસટી બસોમાં રોજબરોજ મુસાફરોને ગંભીર જોખમ સાથે મુસાફરી કરવી પડી રહી છે. ખાસ કરીને જંબુસરથી ખીચોખીચ ભરાઈને આવતી બસોમાં આમોદના વિદ્યાર્થીઓ, નોકરીયાત યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોને બસના દરવાજે લટકીને આશરે 40 કિલોમીટર સુધી સફર કરવી પડે છે.
આ દ્રશ્યો જોઈને સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અથવા નિર્દોષ વિદ્યાર્થીના મોત પછી જ જાગશે? લેડીઝ કંડક્ટર હાજર હોવા છતાં મહિલાઓને ધક્કામુક્કી સહન કરવી પડે છે અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ જીવ જોખમે બસના ફૂટબોર્ડ પર ઊભા રહેવા મજબૂર બને છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આમોદ તાલુકાએ પંચાયતથી લઈને વિધાનસભા સુધી સત્તા સોંપી હોવા છતાં બદલામાં જનતાને તૂટેલા રસ્તા અને જોખમી જાહેર પરિવહન જ મળ્યું છે. વધતી વસ્તી અને વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખ્યા વિના બસોની સંખ્યા યથાવત રાખવામાં આવી છે, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.
જનતાની માંગ છે કે આમોદ–ભરૂચ રૂટ પર તાત્કાલિક વધારાની એસટી બસો ફાળવવામાં આવે, સમયપત્રકમાં સુધારો કરવામાં આવે અને ભીડ નિયંત્રણ માટે યોગ્ય આયોજન થાય. જો તંત્રે તાત્કાલિક પગલાં નહીં ભરે તો આ અસંતોષ કોઈ પણ સમયે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હવે પ્રશ્ન એ છે કે, શું કોઈનો જીવ ગયા પછી જ વ્યવસ્થા સુધરશે?

