ગાયો ચરાવીને પરત ફરતા મધમાખીઓએ અનેક ડંખ માર્યા, સારવાર માટે લઈ જતી વખતે રસ્તામાં જ અંતિમ શ્વાસ લીધા
જંબુસર | ભરૂચ
જંબુસર તાલુકાના કોરા ગામે મધમાખીઓના હુમલામાં એક પશુપાલકનું કરુણ મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે. ગાયો ચરાવીને પરિવારનું ગુજરાન ચલાવતા અર્જુનસિંહ કીર્તનસિંહ સોલંકીના અચાનક અવસાનથી પરિવારે ઘરના કમાનાર મોભી ગુમાવ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કોરા ગામના અર્જુનસિંહ કીર્તનસિંહ સોલંકી દરરોજની જેમ ગાયો ચરાવવા માટે સીમમાં ગયા હતા. ગાયો ચરાવીને પરત ફરતી વખતે અચાનક મધમાખીઓનું ઝુંડ તેમના પર ફરી વળ્યું હતું. મધમાખીઓની સંખ્યા વધુ હોવાથી તેમણે બચવાનો ભારે પ્રયાસ કર્યો હતો, તેમ છતાં મધમાખીઓએ શરીર પર અનેક જગ્યાએ ડંખ માર્યા હતા.
મધમાખીઓના હુમલા બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા અને પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવારજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં જ મધમાખીઓના ઝેરી ડંખની અસરથી તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. રોજિંદી મહેનત કરીને ગાયો ચરાવવાના વ્યવસાયથી પરિવારનું ગુજરાન ચલાવતા અર્જુનસિંહના અચાનક અવસાનથી પરિવારની આર્થિક સ્થિતિ અંગે પણ ચિંતા ઊભી થઈ છે.
આ બનાવની જાણ જંબુસરના ધારાસભ્ય ડી. કે. સ્વામીને થતાં તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે શોકગ્રસ્ત પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. સાથે જ પરિવારને આર્થિક સહાય મળી રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
કોરા ગામમાં બનેલી આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.

