નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

પોષણ, એનેમિયા અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન સાથે CPRની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ

જંબુસર: જંબુસર સ્થિત નવયુગ વિદ્યાલય ખાતે તાલુકા આરોગ્ય કચેરીના સહયોગથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે આરોગ્ય તપાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરી તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સમયસર નિદાન કરવું તથા તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો.

આરોગ્ય તપાસ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની શારીરિક તપાસ કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને પોષણ, એનેમિયા (લોહીની ઊણપ), વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્ય જાગૃતિ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. કિશોરાવસ્થામાં સ્વાસ્થ્યની કાળજી રાખવી, સંતુલિત આહાર લેવો અને સ્વચ્છતાની યોગ્ય આદતો કેળવવી કેટલું જરૂરી છે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તપાસ દરમિયાન જે વિદ્યાર્થીઓને આંખને લગતી સમસ્યાઓ જણાઈ છે, તેમને જરૂરી તપાસ બાદ ચશ્માં આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓમાં વિવિધ બીમારીઓનાં લક્ષણો જણાયાં છે, તેમને જરૂરી દવાઓ ઉપલબ્ધ કરાવવાની તથા વિશેષ તપાસની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને તાલુકા આરોગ્ય કચેરી ખાતે વધુ તપાસ માટે લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

CPRની પ્રેક્ટિકલ તાલીમ આપી

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ ડૉ. શેફા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલી CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન)ની તાલીમ રહી હતી. આ તાલીમ દરમિયાન કટોકટીની પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને હૃદય બંધ થવા જેવી સ્થિતિ સર્જાય ત્યારે તાત્કાલિક મદદ કેવી રીતે કરવી તે અંગે પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા સમજ આપવામાં આવી હતી. આ તાલીમથી વિદ્યાર્થીઓને જીવનરક્ષક પ્રાથમિક સારવાર અંગે ઉપયોગી જાણકારી મળી હતી.

આ સમગ્ર આરોગ્યલક્ષી આયોજન તાલુકા આરોગ્ય કચેરીનાં પ્રતિનિધિ ડૉ. સોનિયા વાઘેલા, ડૉ. શેફા તથા નર્સ સેજલબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. સોનિયા વાઘેલા તથા શાળાનાં પ્રતિનિધિ રીયા પરમારે પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

નવયુગ વિદ્યાલય ખાતે યોજાયેલા આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા, બીમારીઓનું સમયસર નિદાન કરવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online