આંગણવાડી કાર્યકર બહેનને આઈસર ટેમ્પોએ અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત
જંબુસર: જંબુસર એસટી ડેપોથી ટંકારી ભાગોળ તરફ જતા માર્ગ પર બેંક ઓફ બરોડા નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાવા ગામના આંગણવાડી કાર્યકર શ્વેતાબેન રાજને પાછળથી આવી રહેલા આઈસર ટેમ્પોએ અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, કાવા ગામના શ્વેતાબેન રાજ અન્ય બહેનો સાથે જંબુસર ખાતે બેંક ઓફ બરોડામાં રૂપિયા ઉપાડવા આવ્યા હતા. બેંકનું કામ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના ગામ કાવા જવા માટે એસટી ડેપો તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોના ચાલકે તેમને અડફેટે લીધા હતા.
અકસ્મત બાદ ટેમ્પો ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ટોળાં એકત્રિત થઈ ગયા હતા.
108ની ટીમે મૃતદેહને હોસ્પિટલ ખસેડ્યો
ઘટનાની જાણ થતાં જંબુસર નગરપાલિકાના સભ્યો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે ટેમ્પો કબજે લીધો
અકસ્મતની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આઈસર ટેમ્પો પોતાના કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત બાદ ફરાર થયેલા ટેમ્પો ચાલકને શોધવા અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વર્ષો બાદ બનેલો નવો રોડ, છતાં અકસ્માતની ભીતિ
જંબુસર એસટી ડેપો–ટંકારી ભાગોળનો માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં હતો અને સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતી હતી. આશરે એક વર્ષ પહેલાં આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. જોકે, નવો રોડ બન્યા બાદ અહીં વાહનોની અવરજવર વધવા સાથે ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાની સ્થાનિકોમાં ફરિયાદ છે. સાથે જ કેટલાક વાહનો બેફામ ઝડપે દોડતા હોવાના કારણે અકસ્માતની ભીતિ પણ રહે છે.
હાલ મૃતક શ્વેતાબેનના પરિવારજનો સાથે સંપર્ક થઈ શક્યો ન હોવાથી પરિવાર અંગેની વધુ વિગતો પ્રાપ્ત થઈ નથી.

