ખાનપુરના તળાવમાં મગરની દહેશત, બકરીનો શિકાર થતાં ગ્રામજનોમાં ભય

તળાવમાં બે-ત્રણ મગર હોવાનો સ્થાનિકોનો દાવો; કપડાં ધોવા, વાસણ માંજવા અને પશુઓને પાણી પીવડાવવા જતાં લોકોમાં ફફડાટ

જંબુસર તાલુકાના ખાનપુર ગામે તળાવમાં મગરોની હાજરીને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તળાવમાં બે થી ત્રણ મગર વસવાટ કરી રહ્યા છે. જેના કારણે મહિલાઓ સહિત ગ્રામજનો તળાવ પાસે કપડાં ધોવા, વાસણ માંજવા તેમજ પશુઓને પાણી પીવડાવવા જતાં પણ હવે ગભરાઈ રહ્યા છે.

તાજેતરમાં તળાવના કિનારે એક બકરી પાણી પી રહી હતી ત્યારે અચાનક મગર પાણીમાંથી બહાર આવી બકરીનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. તળાવ કિનારે હાજર બે-ત્રણ લોકોએ સમગ્ર ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.

ઘટનાની જાણ તાલુકા પંચાયતના સદસ્ય રસીદભાઈ મચ્છીવાળાને થતાં તેમણે તાત્કાલિક તલાટીને જાણ કરી હતી. ત્યારબાદ તલાટી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિકોની માહિતી મુજબ તલાટીએ તળાવમાં બે-ત્રણ મગર હોવાની વાત જણાવી જંગલ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરી હતી.

તળાવ પાસે જતાં ગ્રામજનોમાં ફફડાટ

મગરની દહેશતના કારણે તળાવ પાસે રોજિંદા કામ માટે જતાં ગ્રામજનોમાં ભય ફેલાયો છે. ખાસ કરીને મહિલાઓ કપડાં ધોવા અને વાસણ માંજવા તથા પશુપાલકો પોતાના ઢોરોને પાણી પીવડાવવા તળાવ પાસે જતાં અચકાઈ રહ્યા છે. મગર ગામ તરફ આવી ચડે તેવી ભીતિ પણ ગ્રામજનોમાં જોવા મળી રહી છે.

ખાનપુર ગામ ઢાઢર નદીના કિનારે આવેલું હોવાથી નદીમાં પાણી ઓસર્યા બાદ આસપાસના વિસ્તારોમાં મગરો આવી ચડતા હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. અગાઉ ભાણ ખેતર ગામે ગણેશજીના પંડાલ નજીક મગર આવી ચડ્યો હતો અને તુલસી ક્યારામાં સંતાઈ ગયો હતો. જ્યારે ડાભા ગામના રસ્તા ઉપર પણ રાત્રિના સમયે મગરનું બચ્ચું આંટાફેરા મારતું જોવા મળ્યું હોવાની ઘટના સામે આવી હતી.

પાંજરું ગોઠવી મગરને પકડવાની તજવીજ

જંગલ વિભાગના જણાવ્યા મુજબ ખાનપુરના તળાવ વિસ્તારમાં પાંજરું ગોઠવી મગરને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવશે. મગરને સુરક્ષિત રીતે પકડી અન્યત્ર ખસેડવા માટે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

જંબુસર તાલુકાના વિવિધ વિસ્તારોમાં મગરોની અવરજવર વધતી હોવાના અહેવાલોને પગલે તંત્ર દ્વારા અસરકારક અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. ખાસ કરીને તળાવ, નદીકાંઠા અને રહેણાંક વિસ્તારો નજીક મગરોની અવરજવર અટકાવવા તથા ગ્રામજનોની સુરક્ષા માટે જરૂરી તકેદારીના પગલાં ભરવાની માંગ કરવામાં આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online