જંબુસર-ડાભા માર્ગ પર પણ મગરનું બચ્ચું લટાર મારતું કેમેરામાં કેદ થતાં લોકોમાં ભય
જંબુસર: જંબુસર તાલુકાના ભાણ ખેતર ગામ અને જંબુસરથી ડાભા તરફ જતા માર્ગ પર મગરો દેખાતા ગ્રામજનો અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભાણ ખેતર ગામની ભાગોળ પાસે ગણેશ પંડાલ નજીક તુલસી ક્યારા પાસે બપોરના સમયે આશરે ચાર ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો.
મગર નજરે પડતાં સ્થાનિક લોકો એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને ગ્રામજનોની મદદથી મગરનું રેસ્ક્યુ કરી તેને પાંજરામાં સુરક્ષિત રીતે પૂરવામાં આવ્યો હતો. ત્યારબાદ મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.


સ્થાનિક સામાજિક આગેવાન બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે, મગરની સમયસર નજર પડી જતાં મોટી અનહોની ટળી છે. ખાસ કરીને સાંજના સમયે લોકો ગણેશ પંડાલ ખાતે પૂજા-આરતી માટે મોટી સંખ્યામાં એકત્ર થતા હોય છે. જો મગરની સમયસર જાણ ન થઈ હોત તો લોકોની સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું થઈ શક્યું હોત.
ઢાઢર નદીમાંથી ગ્રામ્ય વિસ્તારો તરફ મગરોની અવરજવર
જંબુસરથી આશરે પાંચ કિલોમીટર દૂર મંગણાદ ગામ નજીક આવેલી ઢાઢર નદી મગરોનું આશ્રયસ્થાન હોવાનું સ્થાનિકો જણાવે છે. નદીમાંથી મગરો આસપાસના ગ્રામ્ય વિસ્તારો તરફ આવી જતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે.
બીજી તરફ, મોડી રાત્રે જંબુસર-ડાભા માર્ગ પર મગરનું બચ્ચું રસ્તા પરથી પસાર થતું જોવા મળ્યું હતું, જેને બાઈકચાલકના કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. વાહનોની અવરજવર વચ્ચે મગરનું બચ્ચું રસ્તા પરથી ઝડપથી દૂર ભાગી ગયું હતું.

જંબુસર શહેર અને તાલુકાના વિવિધ વિસ્તારોમાં મગર ઉપરાંત અજગર અને દીપડા જેવા વન્યજીવો દેખાવાની ઘટનાઓથી લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. વન્યજીવ દેખાય ત્યારે સ્થાનિકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવે છે અને વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરે છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે વન વિભાગ દ્વારા મગરોની અવરજવરવાળા વિસ્તારોમાં સાવચેતી અને જનજાગૃતિ માટે જરૂરી પગલાં લેવામાં આવે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતા ઘટાડી શકાય.

