જંબુસરમાં ગણેશ વિસર્જનની ભવ્ય તૈયારીઓ

121 વર્ષ જૂની પરંપરા સાથે બાપ્પાને અપાશે ભાવભીની વિદાય, 80 પ્રતિમાઓનું થશે વિસર્જન

જંબુસર:
જંબુસર શહેરમાં ગણેશોત્સવની ઉજવણી બાદ હવે ગણપતિ બાપ્પાના વિસર્જનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જંબુસર શહેરમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગણેશોત્સવના સાતમા દિવસે એટલે કે દશમના દિવસે વિવિધ વિસ્તારોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવે છે.

જંબુસર શહેરમાં ગણેશોત્સવની પરંપરાનો ઇતિહાસ પણ ખૂબ જ જૂનો છે. મરાઠા સમાજ દ્વારા ભાગલીવાડ અને ભૂતફળિયા વિસ્તારમાં આશરે 121 વર્ષથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે. આ પરંપરા બાદ ધીમે ધીમે નગરના વિવિધ વિસ્તારોમાં હિન્દુ સમાજ દ્વારા ગણેશજીની સ્થાપનાની શરૂઆત થઈ અને આજે સમગ્ર જંબુસર શહેરમાં ગણેશોત્સવ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે.

મરાઠા સમાજ દ્વારા મહાઆરતી બાદ બાપ્પાને વિદાય

વર્ષોની પરંપરા મુજબ મરાઠા સમાજ દ્વારા ગણેશજીની પ્રતિમાની વિશેષ પૂજા-અર્ચના અને મહાઆરતી કરવામાં આવશે. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ ભક્તો દ્વારા ભાવભીની વિદાય સાથે ગણેશજીની પ્રતિમા વિસર્જન માટે રવાના કરવામાં આવશે.

ત્યારબાદ ક્રમાનુસાર શહેરના વિવિધ ગણેશ મંડળોની પ્રતિમાઓ કોટ દરવાજા વિસ્તારમાં એકત્રિત થશે. અહીંથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રા મુખ્ય બજાર, સોની ચકલા, લીલોતરી બજાર, ગણેશ ચોક, પઠાણી ભાગોળ સહિત નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ કાલિકા માતાજીના મંદિર નજીક આવેલા નાગેશ્વર તળાવ ખાતે પહોંચશે.

શોભાયાત્રા દરમિયાન ભક્તો દ્વારા પરંપરાગત ઢોલ-નગારાં સાથે ડીજેના તાલે ગણપતિ બાપ્પાના જયઘોષ કરવામાં આવશે. ભજન-કીર્તન અને ધાર્મિક વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ બાપ્પાને ભાવભીની વિદાય આપશે.

નાગેશ્વર તળાવ ખાતે સવારથી સાંજ સુધી વિસર્જન

જંબુસરના નાગેશ્વર તળાવ ખાતે સવારે 9 વાગ્યાથી સાંજ સુધી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. મોટી સંખ્યામાં ગણેશ મંડળો અને શ્રદ્ધાળુઓ ઉમટવાના હોવાથી નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિસર્જન સ્થળે મંડપ, તરાપા, લાઇટિંગ તેમજ જરૂરી તાત્કાલિક સેવાઓની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પ્રતિમાઓના સલામત વિસર્જન માટે સ્થાનિક તરવૈયાઓ તેમજ સાગર રક્ષક દળના જવાનોની મદદ લેવામાં આવશે. તળાવ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા અને બચાવની વ્યવસ્થા પણ સજ્જ રાખવામાં આવશે.

જંબુસરમાં કુલ 80 ગણેશ પ્રતિમાઓનું વિસર્જન

જંબુસર શહેરમાં આ વર્ષે કુલ 80 ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. જેમાંથી 22 ગણેશ પ્રતિમાઓ શોભાયાત્રામાં સામેલ થશે, જ્યારે અન્ય ગણેશ મંડળો દ્વારા નાગેશ્વર તળાવ ખાતે પહોંચીને પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

વિસર્જન દરમિયાન શહેરના મુખ્ય માર્ગો તેમજ નાગેશ્વર તળાવ વિસ્તારમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ એકત્રિત થવાની સંભાવનાને પગલે ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

પોલીસ સહિત 400થી વધુ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકોની હાજરીને ધ્યાનમાં રાખીને જંબુસર પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થામાં DYSP સહિત કુલ 9 પોલીસ અધિકારીઓ અને 80 પોલીસકર્મીઓ, ઉપરાંત 85 SRP જવાનો, 100 હોમગાર્ડ અને 150 GRD જવાનો તૈનાત રહેશે.

શોભાયાત્રાના રૂટથી લઈને નાગેશ્વર તળાવ સુધીના વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવશે. ભીડ નિયંત્રણ, ટ્રાફિક વ્યવસ્થા તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

આમ, જંબુસરમાં 121 વર્ષ જૂની ગણેશોત્સવની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહભેર ગણપતિ બાપ્પાને વિદાય આપવામાં આવશે. ઢોલ-નગારાં, ભજન-કીર્તન અને ગણપતિ બાપ્પાના જયઘોષ વચ્ચે યોજાનારી શોભાયાત્રા બાદ નાગેશ્વર તળાવ ખાતે વિધિવત રીતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

error: Content is protected !! Source: www.jnexpress.online